દિવ્યાંગ, શારીરિક રીતે અશકત લોકો માટે ઘર બેઠા કોરોના વેકસીન લેવાની વ્યવસ્થા કરાઈ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લામાં ચાલી રહેલી કોરોના વેકસીનેશન કામગીરી અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા વેક્સીનેશન કરવા માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં નિયત કરેલ કોરોના વેક્સીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે.
જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે આરોગ્ય શાખા, દ્વારા ઘરબેઠા કોરોના વેકસીન લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના દિવ્યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે આરોગ્ય શાખા દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પ લાઇન નંબર ૦૨૬૩૨-૨૫૩૩૮૧ ઉપર ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેક્સીન આપવાની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો કે જેઓ દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત કે પથારીવશ છે જેમને કોવિશિલ્ડ/ કોવેક્સીન રસીનો પ્રથમ ડોઝ લેવાનો થતો હોય અથવા પ્રથમ કોઝ કોવીશીલ્ડ લીધાના ૮૪ અને કોવેકસીન લીધાના ૨૮ દિવસ પછી બીજાે ડોઝ લેવાનો થતો હોય તેઓએ હેલ્પલાઇન નંબર ૦૨૬૩૨- ૨૫૩૩૮૧ ઉપર સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા દરમિયાન ફોન કરી વેકસીન લેનારની વિગત
જેવી કે, મોબાઇલ નંબર, રહેણાંકનું પુરૂ સરનામું, વેકસીનનો પ્રકાર તેમજ પ્રથમ કે બીજા ડોઝની માહિતી લખાવવાની રહેશે. ત્યારબાદ હેલ્પલાઇન કંટ્રોલ રૂમમાંથી નજીકના સંબંધિત વિસ્તારના આરોગ્ય કેન્દ્ર દ્વારા લાભાર્થીઓને વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.