દીકરાએ માતાને તલવારથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને મારી નાખવાની ખુલ્લી તલવાર સાથે ધમકી આપી અને તેના અન્ય બે ભાઈઓ જે માતાની સાથે રહે છે તેમને પણ ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી છે, કારણ છે મિલકત. ઠક્કરબાપાનગરના ગંગાનગરમાં રહેતા કમલાબેન ઉપાધ્યાય જેમની ઉંમર ૭૦ વર્ષ છે અને તેઓ પોતે વિધવા પણ છે
તેમના બે પુત્રો સાથે તેઓ રહે છે ત્યારે તેના ખૂનનો તરસ્યો બનેલ ત્રીજા પુત્ર નરેશ ઉપાધ્યાય અને તેની પત્ની દક્ષા ઉપાધ્યાય સામે વૃદ્ધ માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને સગા પુત્ર સામે એવો આક્ષેપ કર્યો છે કે તેનું મકાન પચાવી પાડવા માટે તેના સગા પુત્રે જાહેરમાં તલવાર લઈને તેની પાસે આવી અને તેમના બંને પુત્રો સહિત ઘર ખાલી કરી દેવા ધમકી આપી અને વારંવાર ગંદી ગાળો અને ધમકી આપી ઘર ખાલી કરાવવા ભારે દબાણ કરે છે.
ફરિયાદી માતાના વકીલ ભાવેશ બારોટે જણાવ્યું હતું કે, અવારનવાર મારી નાખવાની ધમકી આપનાર પુત્ર નરેશ ઉપાધ્યાય ગંદી ગાળો બોલે છે મકાન ખાલી કરાવવા માટે ખુલ્લી તલવાર સાથે ધમકી પણ આપી રહ્યો છે ઉપરાંત ફરિયાદી માતાને તેના મકાનમાં રહેતો હોઈ કોઈપણ પ્રકારનું ભાડું કે ભરણપોષણ પણ આપતો નથી અને તેના પુત્ર તરીકેની ફરજ પણ બજાવતો નથી.
માતાને એવી દહેશત છે કે તેને અને તેના બે પુત્રોને આરોપી નરેશ મકાન પચાવી પાડી અને મોકો મળતાં મારી નાખશે તેથી કાયદેસરની લેખિત ફરિયાદ અરજી કરી નરેશની અટક કરવામાં આવે અને ફરિયાદી માતા અને તેના બે પુત્રોને પોલીસ રક્ષણ પૂરું પાડવા માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. ફરિયાદી માતા જણાવે છે કે,હાલમાં હું મારા બે પુત્રો સાથે રહું છું મારે કુલ ચાર પુત્રો હતા.
જેમાંથી હાલમાં વિનોદભાઈ અને સોનુભાઈ મારી સાથે રહે છે જ્યારે રાજુભાઈનું અવસાન થયેલ છે અને નરેશ તેના લગ્ન અગાઉ ભાગીને ૨૫ વર્ષથી બોમ્બે તેમજ અન્ય જગ્યા ઉપર રહેતો હતો અને લગ્ન પહેલા ક્યારે મારી સાથે રહેવા આવ્યો પણ નથી તેથી તેણે આજ દિન સુધી કોઈપણ પ્રકારની મારી દવા દારૂની પણ વ્યવસ્થા નથી કરી અને હું મારા બે પુત્ર વિનોદ અને સોનુભાઈ સાથે રહેતી આવી છું. અચાનક એક દિવસ પ્રેમલગ્ન કરી ભાગી ગયેલો નરેશ મારા પુત્ર રાજુભાઈનું અવસાન થતા અમારી માલિકીના મકાનમાં જબરદસ્તી આવી ઘૂસી ગયો અને થોડા સમયમાં જ અમને અમારા સાથે રહેતા બંને પુત્રોને મકાન ખાલી કરવા કહી દીધું.