દીકરાને મોદી કેબિનેટમાં મંત્રી પદ ન મળતાં છલકાયું સંજય નિષાદનું દર્દ
નવીદિલ્હી: મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૭ નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. અપના દલ (એસ)ના અનુપ્રિયા પટેલ પણ મંત્રી બન્યા છે પરંતુ નિષાદ પાર્ટીના હાથમાં કશું નથી આવ્યું. આ કારણે નિષાદ પાર્ટી નારાજ થઈ છે અને સંજય નિષાદે કટાક્ષમાં કહ્યું હતું કે, દગાબાજ સરકારોનું દર્દ દિલમાં છે, દિલ મુશ્કેલીમાં છે.
નિષાદ પાર્ટી (ર્નિબલ ઈન્ડિયન શોષિત હમારા આમ દલ)ના સંસ્થાપક સંજય નિષાદે પોતાના દીકરા અને સાંસદ પ્રવીણ નિષાદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તેને લઈ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, અપના દલ (સોનેલાલ)ની અનુપ્રિયા પટેલને કેન્દ્રીય મંત્રીપરિષદમાં સામેલ કરી શકાય તો પ્રવીણ નિષાદને કેમ નહીં?
વધુમાં કહ્યું હતું કે, નિષાદ સમુદાયના લોકો પહેલેથી જ ભાજપ છોડી રહ્યા છે અને જાે પાર્ટી પોતાની ભૂલ સુધારશે નહીં તો આગામી વિધાનસભા ચૂંટણીમાં પરિણામ ભોગવવા પડશે.
સંજય નિષાદના કહેવા પ્રમાણે પ્રવીણ નિષાદને કેબિનેટમાં સામેલ ન કરવામાં આવે તે નિષાદ સમાજ સાથેની છેતરપિંડી છે, ૧૮ ટકા નિષાદ સમાજને ફરી એક વખત દગો મળ્યો છે જ્યારે ૪થી ૫ ટકાવાળાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વધુમાં કહ્યું કે, હાલ તેઓ ભાજપ સાથે છે પરંતુ જાે ભાજપ આવી જ રીતે નિષાદોની અવગણના કરશે તો આગામી સમયમાં તેઓ પોતાની રણનીતિ પર પુનઃવિચારણા કરશે અને ભાજપ સાથેના ગઠબંધનને લઈ વિચારવા મજબૂર થશે.
અનુપ્રિયા પટેલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો પોતાની બેઠક જિલ્લા પંચાયત અધ્યક્ષમાં ન જીતાડી શક્યા, જે લોકોએ ભાજપને હરાવવાનું કામ કર્યું એવા લોકોને મહત્વ અપાયું. જ્યારે નિષાદ સમાજે અનેક મત આપીને યુપી અને કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી છે.