દીકરા-દીકરીની નજર સામે પિતાનું મોત: ટ્રક પાછળ ટૂવ્હીલર અથડાયું

AI Image
કરિયાણું લેવા દંતાલીથી કલોલ જવા નીકળ્યા ત્યારે શેરથા ચાર રસ્તા નજીક કાળ આંબી ગયો
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના શેરથા ચાર રસ્તા નજીક ટ્રક પાછળ ટુવ્હીલર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં સગીર દીકરા-દીકરીની નજર સામે ઘટનાસ્થળે પિતાનું મોત થતાં અરેરાટીના દ્રશ્યો સર્જાયા હતા. દંતાલી ગામના રહીશ બે સંતાનો સાથે કરિયાણું લેવા માટે કલોલ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કાળ આંબી ગયો હતો. આ અંગે અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.
દંતાલી ગામમાં રહેતા હરિશભાઈ અમરતભાઈ પંચાલ (ઉ.વ.૩૬) ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સોમવારે હરિશભાઈ તેમની દીકરી મેશ્વા (ઉ.૧પ) અને દીકરા દક્ષ (ઉ.૧૦)ને જયુપિટર પર લઈને દંતાલી ગામથી કલોલ કરિયાણું લેવા નીકળ્યા હતા તે દરમિયાન શેરથા ચાર રસ્તા પાસેના કટ નજીક હરિશભાઈએ પોતાનું જયુપિટર તેજ ઝડપે હંકારતા આગળ જતી ટ્રકના પાછળ જયુપિટર અથડાતા અકસ્માત સર્જાયો હતો
તેમાં હરિશભાઈ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને બંને સંતાનોની નજર સમક્ષ તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ અકસ્માતમાં દસ વર્ષના પુત્ર દક્ષને ગંભીર ઈજાઓ થઈ હતી જયારે મેશ્વાને સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં વાહનચાલકો ટોળે વળ્યા હતા.
બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દક્ષને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી સઘન સારવાર અર્થે દક્ષને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો.