દીકરીના કબજા માટે પતિએ પત્ની પાસે ૨૦ લાખ માગ્યા
સુરત: શહેરમાં એક વ્યક્તિએ તેની પત્ની પાસે દીકરીના કબજા માટે ૨૦ લાખ રૂપિયા માંગ્યાની ફરિયાદ નોંધાઈ છે. સુરતની યુવતીના હીરા વેપારી સાથે લગ્ન થયા હતા. જે બાદમાં હીરા વેપારી બેંગકોક સ્થાયી થયો હતો. લગ્ન બાદ બંનેને સંતાન તરીકે એક દીકરી અવતરી હતી. જોકે, દીકરીના જન્મ બાદ મહિલાનો પતિ મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખી તેને માર મારતો હતો. જે બાદમાં મહિલા કંટાળીને સુરત પોતાના પિયરમાં આવી ગઈ હતી. આ દરમિયાન પરિણીતાએ દીકરીનો કબજો સોંપવાની વાત કરતા પતિએ ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ મામલે મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતે વાત કરીએ તો સુરતમાં રહેતી એક યુવતીના લગ્ન પરિવારની સહમતિ સાથે મુંબઈ ખાતે હીરા કંપનીમાં નોકરી કરતા દિવ્યેશ મોરખીયા સાથે એપ્રિલ ૨૦૦૮માં થયા હતા. લગ્ન જીવનના એક વર્ષમાં પતિ દિવ્યેશને બેંગકોક ખાતે સારી નોકરી મળતા તે પરિવાર સાથે ત્યાં જતો રહ્યો હતો. જોકે, થોડા સમય બાદ પતિ દિવ્યેશે નોકરી છોડી પોતાનો હીરાનો વેપાર શરુ કર્યો હતો. આ સમય દરમિયાન તેની પત્ની સગર્ભા થઈ હતી અને એક દીકરીને જન્મ આપ્યો હતો.
દીકરીના જન્મ બાદ પરિવારમાં પણ ખુશી હતી પરંતુ તેના થોડા સમય પછી પરિણીતાને તેના પતિ અને સાસરિયાં તરફથી ત્રાસ આપવાની શરૂઆત થઈ હતી. જોકે, પોતાનો પરિવાર વીખેરાય નહીં તે માટે પરિણીતા કંઈ બોલતી ન હતી.
બાદમાં પરિણીતાનો પતિ તેના પર શંકા કરવા લાગ્યો હતો. પરિણીતા એક ડાન્સ ક્લાસમાં જતી હતી. ડાન્સ ક્લાસના સર સાથે અફેર હોવાની શંકા રાખીને પતિ તેની પત્નીને માર મારતો હતો અને ઘરમાં નોકરાણી તરીકે રહેવા માટે મજબૂર કરતો હતો. મારપીટ બાદ પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી.
જે બાદમાં પરિણીતા તેના ભાઈની મદદથી ભારત પરત આવી હતી અને પોતાના પિયરમાં રહેવા લાગી હતી. જોકે, તેની દીકરી પતિ પાસે જ હતી. આ દરમિયાન પરિણીતાએ દીકરીનો કબજો સોંપી દેવાની વાત કરતા પતિએ ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે પરિણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.