દીકરીની તસવીર ગળે લગાવીઃ ભલે મોડો પણ બેટા તને ન્યાય અપાવ્યોઃ નિર્ભયાની માતા
દોષિતોની ફાંસીની દરેક અપડેટ લેતા રહ્યા પરિવારજનો, ગામમાં ઉજવણીનો માહોલ; લોકોએ ખુશી વ્યક્ત કરી
બલીયા, નિર્ભયા ગેંગરેપમાં કેસમાં ચારેય ગુનેગારોએ ફાંસીથી બચવા શક્ય તમામ પ્રયાસ કર્યા હતાં પરંતુ તેઓ સફળ રહ્યાં ન હતાં અને સર્વોચ્ચ અદાલત રાત્રે અઢી વાગ્યે ખૂલી અને જસ્ટિસ ભાનુમતિએ તમામ અરજી ફગાવી દીધી અને ફાંસીનો માર્ગ ખુલ્લો થયો આથી આજે સવારે સાડા પાંચ વાગ્યે તિહાર જેલમાં ચારેય આરોપીઓને ફાંસી અપાઇ હતી.
આરોપીઓની ફાંસી બાદ ભાવવિભોર બનેલી નિર્ભયાની માતા આશાદેવીએ માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, આજે મેં દીકરીની તસવીરને ગળે લગાવીને મનોમન કહ્યું કે બેટા બહુ મોડું થયું છે તો પણ આજે મેં તને ન્યાય અપાવ્યો છે. નિર્ભયા સાથે દુષ્કર્મ થયું એ પછી તરત આઘાતમાંથી બહાર આવીને તેની માતા આશાદેવીએ નિર્ભયાને ન્યાય મળે એ માટે અદાલતના ચક્કર કાપવાના શરૂ કર્યા હતા. અત્યંત સાધારણ પરિવારમાંથી આવતાં હોવા છતાં આશાદેવીએ પૂરી મક્કમતાથી કાનૂની આંટીઘૂંટીનો આરોપીએ દ્વારા થઈ રહેલાં ઉપયોગનો સામનો કર્યો હતો અને આરોપીની પ્રત્યેક ચબરાકીને પડકારી હતી.
સાત વર્ષથી નિર્ભયાના પરિવારજનોની સાથે સાથે સમગ્ર દેશ ન્યાયની રાહ જોતો હતો. આરોપીઓની ફાંસી પહેલાં નિર્ભયાના ગામમાં સન્નાટો છવાયેલો હતો. એકલ-દોકલ માણસો જ દેખાતા હતા. ગામની પાસે જ બે યુવકો મોનુ અને હરિઓ મળ્યા. હરિઓમે આ દિવસ માત્ર નિર્ભયા માટે જ નહીં પરંતુ આખા બલિયા અને દેશ માટે મહત્વનો ગણાવ્યો. ફાંસી પછી નિર્ભયાના દાદાએ કહ્યું- આજે દેશમાંથી એક મોટો કોરોના ખતમ થઈ ગયો છે. આજે અમે હોળી મનાવીશું. અને સવારથી નિર્ભયાના ગામમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી
ડિસેમ્બર ૨૦૧૨ પછી આસપાસના વિસ્તારોમાં આ ગામ નિર્ભયાના ગામ તરીકે જ ઓળખાવા લાગ્યું હતું. ૧૬ ડિસેમ્બરે આ ગામની દીકરી સાથે દિલ્હીમાં દુષ્કર્મ થયું હતું. દોષિતોને ફાંસી આપવામાં આવી હોવાથી આખા ગામમાં ઉજવણીનો માહોલ જાવા મળ્યો હતો. નિર્ભયાના ગામના વિરેન્દ્રએ કહ્યું છે કે, આજનો દિવસ ખુબ ખુશીનો છે. આ ફાંસીથી આખા ગામને ખુશી મળી છે.
નિર્ભયાના કાકા સુરેશ સિંહે જણાવ્યું કે, નિર્ભયાના પિતા લગ્ન પછીથી જ અંદાજે ૨૫-૨૭ વર્ષ પહેલાં દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં તેઓ કુકર બનાવવાની કંપનીમાં કામ કરતા હતા. તેમના બધા બાળકો દિલ્હીમાં જ રહેતા હતા. નિર્ભયા છેલ્લે ૧૬-૧૭ વર્ષની હતી ત્યારે ગામ આવી હતી. નિર્ભયા વિશે તેમણે કહ્યું કે, દીકરીને ન્યાય મળવામાં ઘણી વાર લાગી. કોર્ટના નિર્ણયથી ખુશ તો છીએ પરંતુ જે રીતે હૈદરાબાદ પોલીસે કામ કર્યું તે રીતે થયું હોત તો વધારે ખુશી થાત. નિર્ભયાના દાદા શિવમોહને કહ્યું કે, ન્યાય મળવામાં ઘણી વાર લાગી. તેથી દેશમાં દુષ્કર્મીઓની સંખ્યા વધી ગઈ છે.