દીકરીની હત્યા કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા પિતા, આખી રાત લાડકીને યાદ કરી રડતા રહ્યા

Files Photo
રાજકોટ, ફરી એક વખત રંગીલું રાજકોટ રકતરંજિત બન્યું છે. આ વખતે હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ ખુદ જન્મદાતા પિતાએ જ કરી છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હત્યારા પિતાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય ઈલા નકુમ નામની યુવતીની તેના જ પિતાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ગુરૂવારના રોજ સવારના ભાગમાં યુવતીના પિતાએ યુવતીના માથાના ભાગે ધોકાનાં ચારથી પાંચ ઘા મારી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી.
સમગ્ર મામલાની પાડોશીઓને જાણ થતાં પાડોશી એ ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત મહિલાને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. તો બીજી તરફ પુત્રીને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી પિતા ગોપાલ નકુમ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. તો પોલીસ સ્ટેશને પહોંચતા પહેલા જુનાગઢ રહેતા પોતાના કૌટુંબીક ભાઈને સમગ્ર બનાવ અંગે જાણ પણ કરી હતી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સૂત્રોનું માનીએ તો હત્યાના આરોપી એવા પિતા ગોપાલ નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા પાસે ફૂટી ફૂટીને રડ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવતા આરોપી ગોપાલ ને પોલીસને જણાવ્યું હતું કે, ‘હું રોજના માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયા કમાઉ છું તેમ છતાં હું મારી એકની એક વહાલસોયી દીકરી ની તમામ માગણીઓ પૂર્ણ કરતો હતો તેની એકટીવા ની માગણી હોય કે પછી મોંઘા એન્ડ્રોઇડ ફોન ની માગણી હોય અમે તમામ માગણી પૂરી કરી છે. મને એમ હતું કે મારી દીકરી મારા ઘડપણની લાકડી બનશે મારા ઘડપણનો સહારો બનશે પરંતુ તેને અમારા જ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન ફરદીન પાસે ગત ૨૩ જુલાઇના રોજ જતી રહી હતી જે બાદ બન્ને સમાજના લોકો ભેગા થતાં ૪ ઓગસ્ટના રોજ દીકરી પોતાના ઘરે પરત આવી હતી.’
જોકે દીકરી પરત આવ્યા ના માત્ર ૪૮ કલાક પણ નહોતા વિત્યા તેની મારા હાથે હત્યા થઈ ગઈ છે. ગોપાલ નકુમને પોતાના હાથે પોતાની જ દીકરીની હત્યા થયાનો અફસોસ એટલો હતો કે તેને પોલીસ સ્ટેશનમાં રાત્રે જમવાનું પણ ટાળ્યું હતું તો આખી રાત માત્રને માત્ર પોતાની દીકરીને યાદ કરતો કરતો રડતો રહ્યો હતો. ગોપાલ ને પોલીસને જણાવ્યું હતું કે તેને અનેક વાર પોતાની દીકરીને ફરીદ સાથે લગ્ન ન કરવા તેમજ તેની સાથે કોઈ પણ જાતનો સંબંધ ન રાખવા સમજાવી હતી પરંતુ જ્યારે દીકરી માની નહીં ત્યારે તેની હત્યા કરવાની ફરજ તેને પડી હતી.HS