Western Times News

Gujarati News

દીકરીને “વહાલનો દરિયો” ભલે ગણો, પણ દીકરાઓની અવગણના ન કરો

પ્રતિકાત્મક

પિતાની ઈચ્છા પુરી કરવા મહેલ છોડી ચૌદ વર્ષ વનમાં રહેવા જનારા દીકરાનો ત્યાગ દીકરીના ત્યાગ કરતા ચોકકસ જ મોટો છે અને મહાન પણ છે !

દીકરી લગ્ન કરીને ઘર છોડી દે છે એ વાત માત્રથી એ મહાન નથી થઈ જતી. પરણીને બીજા ઘરે જવું એ ઘણી દીકરીઓ માટે નિયમો, પોતાનાં પર લાગેલી પાબંદીઓ વચ્ચેથી ભાગી છૂટવાનો રસ્તો પણ હોય છે !

શ્રવણ અને શ્રીરામ… આ બંને દીકરાઓ ઈતિહાસમાં અમર છે. બેઉ પૂજાય છે. એકે અંધ માતા-પિતાની ઈચ્છા પૂર્ણ કરવા એમને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા કરાવ ીજયારે બીજાએ પિતાની ઈચ્છાને માન આપવા રાજગાદીનો ત્યાગ કરી ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો.

માતૃભક્તિ કે પિતૃભક્તિની વાત આવે ત્યારે બેઉનાં ઉદાહરણો આજે પણ અપાય છે અને છતાં પણ દીકરા અને દીકરીની વાત આવે ત્યારે ગાઈ-વગાડીને હૈયું અને ગળું બેઉ ફાડી ‘દીકરી વહાલનો દરિયો…’ એવું બોલી બોલીને આપણે દીકરાને અન્યાય કરી બેસીએ છીએ.

પહેલાંની વાત જુદી હતી. પહેલાંના સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, દીકરી સાપનો ભારો ગણાતી અને દીકરો જ ઘરનો સાચો વારસદાર એવું માનવામાં આવતું. હવે અંતરિયાળ ગામડા અને કેટલાક રૂઢિચુસ્ત પરિવારોને બાદ કરતા બેધ એવું રહ્યું નથી.

દીકરીને લક્ષ્મી ગણીને પૂજનારા પરિવારોની સંખ્યા વધી રહી છે. પરિવારમાં દીકરાને અપાય છે એટલું જ મહત્ત્વ, એટલો જ પ્રેમ, એટલો જ સ્નેહ, દીકરીને અપાઈ રહ્યો છે, અને ત્યારે મને એવું સાફ લાગી રહ્યું છે કે ‘દીકરી વહાલનો દરિયો’ ‘દીકરી ત્યાગની મૂર્તિ’ વગેરે વગેરે વિશેષણોની મદદથી આપણે દીકરીને થોડી ઓવરરેટેડ બનાવી દીધી છે.

હું પણ એક દીકરી જ છું પણ હું વહાલનો દરિયો નથી કે ત્યાગની મૂર્તિ નથી. હું મારા અધિકારો માટે લડું છું, મને ખોટું લાગી આવે છે ત્યારે છાતી ઠોકરીને મારા અણગમાને વ્યકત કરું છું અને મારા ગળે નહીં ઉતરતી હોય એવી એકપણ વાતનો સ્વીકાર કરતી નથી.

હું પરણીને સાસરે ગયેલી ત્યારે બીજી દીકરીઓની જેમ મને પણ કહેવાયેલું કે સત્તાવીસ વર્ષ જે ઘરમાં રહી એ ઘરને છોડી પારકાનાં ઘરને પોતીકું કરવાની આવડત તો દીકરીમાં જ હોય.. દીકરીઓ જ પોતાના ઘરનો ત્યાગ કરી શકે વગેરે…વગેરે…! પણ હું સાફપણે સમજતી હતી કે હું કોઈપણ પ્રકારનો ત્યાગ નહોતી કરી રહી.

મારાં મા-બાપ કરિયાવરમાં મને લાખો રૂપિયાનું ોનું આપી રહ્યાં હતાં, મારી બેગમાં એકવીસ જાેડ કપડાં મૂકી આપી રહ્યાં હતાં અને મને કોઈ તકલીફ ના પડે એ માટે મારા નામે એમણે ફિક્સ ડિપોઝીટો પણ જમા કરાવી હતી. મારું ઘર ત્યાગી પહેરેલ કપડે હું કોઈ આશ્રમમાં નહોતી જઈ રહી કે કોઈ પહાડી વિસ્તારમાં લોકોની સેવા કરવા જઈ રહી હતી.

હું એવું સાફપણે જાણતી હતી કે માયરામાં જે પુરુષ સાથે ચાર ફેરા ફરી રહી છું એ પુરુષ હવેથી મારી સામાજિક- આર્થિક જવાબદારીઓ નિભાવવાનો છે અને એના ઘર પર એની મિલકતો પર, એની કમાણી પર મારો સરખો હિસ્સાનો અધિકાર થવાનો છે. હું એ પણ સમજતી હતી કે સત્તાવીસ વર્ષ જે ઘરમાં રહી છું એ ઘરમાં બીજા સત્તાવીસ વર્ષ નથી રહેવાની છતાં એ ઘરમાં પચાસ ટકા હિસ્સાની દાવેદાર મટી તો નથી જ જવાની ! તો એક દીકરી તરીકે મેં શું ત્યાગ કર્યો ? આમાં મારી મહાનતા શું આવી ?

દીકરી લાડકી હોય છે. બિલકુલ હોય છે, એ પિતાના દિલની વધારે કરીબ હોય છે. ગજવામાં પતંગિયા લઈને દોડાદોડી કરતી દીકરી આંખેઆખા બગીચાને ઘરના ડ્રોઈંગરૂમ સુધી સાથે લઈ આવતી હોય છે. પરીઓ સાથે એની સીધી ઓળખાણ હોય છે.

રાજકુમારો અને એમના સફેદ ઘોડા સાથે એને લગાવ હોય છે. વાળ ઓળાવતી હોય ત્યારે એના ચોટલામાં મમ્મી-પપ્પા બેઉનો શ્વાસ અને વિશ્વાસ ગૂંથાઈ જતા હોય છે. દુનિયાદારીથી ખરબચડી થઈ ગયેલી તમારી હથેળીઓ પર એની હથેળીઓ મુકી દીકરી તમારા સમયને બદલી શકે છે !

દીકરી ઉંમરને લાયક થાય કે ઉંમર દીકરીને લાયક થાય.. આ બંને અવસ્થામાં એ તમારી મા પણ બનતી હોય છે, તમારી દોસ્ત પણ બનતી હોય છે. તમારી દુશ્મન પણ બનતી હોય છે પણ તમારી દીકરી મટતી નથી ! દીકરીને પરણાવો ત્યારે કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો હોય એવું ચોક્કસ જ લાગે !

પણ આ જ દીકરી પરણ્યા વિના ઘરે બેસી રહે તો કાળજે વાગતી રહે છે એ પણ એટલી જ કડવી ને વરવી વાસ્તવિકતા છે. જાે આપણે સ્ત્રી અને પુરુષ સમાનતાની વાતો કરતા હોઈએ તો દીકરી વહાલનો દરિયાનો કોન્સેપ્ટ ભુલી જવો જાેઈએ. દીકરીએ સ્ત્રી તરીકે જન્મ લીધો છે એટલે તમે દીકરી કહો છો અને દીકરાએ પુરુષ તરીકે જન્મ લીધો છે એટલે તમે એને દીકરો કહો છો. આટલો જ ફર્ક છે, બાકી બંને સંતાનો માત્ર છે !

દીકરો એક કુળને તારે અને દીકરી ત્રણ કુળને તારે, દીકરીને ગાય… દોરે ત્યાં જાય વગેરે વગેરે સુવિચારો આપણે રડતા-રડતા બોલી તો દઈએ છીએ પણ રડતી વખતે એ ભુલી જઈએ છીએ કે દીકરીને ત્રણ કુળ તારવામાં દીકરો પણ મદદ તો કરે જ છે. જાે દીકરી ત્રણ કુળ તારતી હોય તો દીકરો પણ ત્રણ કુળ તારતો જ હોય છે.

દીકરી લગ્ન કરીને પોતાનું ઘર છોડી દે છે એ વાત માત્રથી એ મહાન નથી થઈ જતી. પરણીને બીજા ઘરે જવું એ ઘણી દીકરીઓ માટે મમ્મી-પપ્પાએ બનાવેલા નિયમો, પોતાના પર લાગેલી પાબંદીઓ વચ્ચેથી ભાગી છુટવાનો રસ્તો પણ હોય છે !

જાે તમે એવું માનતા હોય કે દીકરી પોતાનું ઘર છોડી ત્યાગનું જીવતું-જાગતું સ્વરૂપ સાબિત થાય છે તો દીકરો ઘરમાં, બેડરૂમમાં, જીવનમાં, બેંક એકાઉન્ટમાં અને દસ્તાવેજમાં એક નવી વ્યક્તિને જગ્યા આપીને પોતાની મહાનતા સાબિત કરતો જ હોય છે.

પોતાને વહાલનો દરિયો કહેવાય છે એ વાતે ખુશ થતી દરેક દીકરોઅએ એક વાત સાફ સમજવાની જરૂર છે કે સાસરવાસ અને વનવાસ આ બંનેમાં ફરક છે. સાસરે જનારી દીકરી જાે ત્યાગનું પ્રતીક ગણાતી હોય તો પિતાની ઈચ્છા પુરી કરવા મહેલ છોડી ચૌદ વર્ષ વનમાં રહેવા જનારા દીકરાનો ત્યાગ દીકરીના ત્યાગ કરતા ચોકકસ જ મોટો છે અને મહાન પણ છે !

દીકરીને વહાલનો દરિયો ગણીને આંસુ સારતા મા-બાપની લાગણીઓને વંદન કરું છું પણ દીકરીનાં વહાલના દરિયામાં દીકરો ડૂબી ના જાય એનું ધ્યાન રાખવાની અપીલ પણ કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.