દીકરી જન્મતાં મહારાષ્ટ્રની યુવતીને સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી
મહેસાણા: મહારાષ્ટ્રની એક યુવતીના વિસનગર શહેરમાં લગ્ન થયા બાદ બાળકી જન્મી હતી. બાળકીના જન્મના લીધે પતિ તેમજ સાસરીયાએ માનસિક ત્રાસ આપતા યુવતીનો મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. પોલીસ મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કરાતા સુખદ સમાધાન પછી દીકરાને જન્મ આપતા યુવતીનું સાંસારિક જીવન સુખી થઈ ગયુ છે.
વિસનગર શહેરમાં પરણેલી મહારાષ્ટ્રીયન યુવતીએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. દીકરી કેમ આવી તેમ કહીને વારંવાર મહેણા ટોણા મારતા મહિલાએ છૂટાછેડા લેવાનો ર્નિણય કર્યો હતો. જાે કે, માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલીસ મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. તેથી પોલીસ મહિલા સહાયતા કેન્દ્રના યામીનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે મહિલાના સાસુ-સસરા, પતિ, નણંદ અને મામા સસરા સહિતના લોકોને બોલાવી દીકરીના જન્મ અંગે સમજાવતુ કાઉન્સેલીંગ કર્યુ હતુ. દીકરો-દીકરી એકસમાન છે
તેવી રીતે બે વખત ગૃપ મીટીંગ અને ૩ વખત વ્યક્તિગત મીટીંગ કરીને બંને પરિવારો વચ્ચે સુખદ સમાધાન થતાં સાસરીયાઓએ મહિલાને સ્વીકારી લીધી હતી.સમાધાન કરાવ્યા બાદ પોલીસ સહાયતા કેન્દ્ર દ્વારા ફોલોઅપ લેવામાં આવતા પરિણીતાને ત્યાં દીકરાનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસ મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસોથી મહારાષ્ટ્રની યુવતીનો સંસાર તૂટતા બચી ગયો હતો.