દીકરી બે મહિનાની થતાં આદિત્યએ શેર કર્યો ફેમિલી ફોટો

મુંબઈ, ટીવી હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણ અને પત્ની શ્વેતા અગ્રવાલ હાલ જિંદગીનો શ્રેષ્ઠ સમય માણી રહ્યા છે. બે મહિના પહેલા એટલે ૨૪ ફેબ્રુઆરીના રોજ આદિત્ય અને શ્વેતાની દીકરી ત્વિષાનો જન્મ થયો હતો. આજે એટલે કે ૨૪ એપ્રિલે કપલની દીકરી બે મહિનાની થતાં તેમણે કરાવેલા ફોટોશૂટની સુંદર તસવીર શેર કરી છે.
ફોટો શેર કરતાં આદિત્યએ લખ્યું, “બે મહિના પહેલા અમારી ખુશીઓનો ખજાનો ત્વિષા, આ દુનિયામાં આવી હતી.” આદિત્ય નારાયણે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં દીકરાના જન્મ પછી તેમનું જીવન કેટલું બદલાઈ ગયું છે તેના વિશે વાત કરી હતી. ઈન્ટવ્યૂમાં આદિત્યએ કહ્યું, “પિતૃત્વ સૌથી સુંદર અને અદ્ભૂત લાગણી છે.
હું નસીબદાર છું કે મારી પત્નીએ મને બે સુંદર ભેટ આપી છે. પહેલી કે તેણે મારી સાથે લગ્ન કર્યા અને બીજી તેણે મને દીકરી આપી. ત્વિષા ખૂબ વહાલી લાગે તેવી છે અને જ્યારે પણ હું તેને હાથમાં લઉં છું ત્યારે વર્ણવી નથી શકતો તેટલો આનંદ થાય છે.
હવે મારા માટે સ્થિતિ બદલાઈ ગઈ છે. મને હવે ઘરે જવાની ઉતાવળ રહે છે. આ થોડું નવું છે. દાદા ઉદિત નારાયણ અને દાદી દીપા નારાયણ ઝાની ખુશીનું ઠેકાણું નથી. આદિત્યએ પોતાના માતાપિતાની ખુશી વિશે વાત કરતાં કહ્યું, “ઘરમાં બાળક આવે ત્યારે ઢગલાબંધ ખુશીઓ લઈને આવે છે. ત્વિષા જ્યારે તેના દાદા-દાદી સાથે રમતી હોય છે ત્યારે તે દ્રશ્ય જાેઈને મનને અલગ જ ખુશી થાય છે.
મમ્મી અને પપ્પા બંને ત્વિષા માટે ગીત ગાય છે અને ઘરે ખૂબ સારું વાતાવરણ રહે છે. આ મારા માટે ખૂબ નવું છે એટલે ક્યારેક સપનાં જેવું લાગે છે.” દાદા ઉદિત નારાયણ ત્વિષા માટે રોજ અલગ-અલગ ગીતો ગાય છે અને તેને મળવા આવે છે. ત્વિષાને પણ દાદાનો અવાજ સાંભળવો ખૂબ ગમે છે તેમ આદિત્યએ ઉમેર્યું. આદિત્ય નારાયણ શૂટિંગ પર જાય ત્યારે પણ તેને દીકરીની યાદ આવ્યા કરે છે.
“હું જૂઠ્ઠું નહીં બોલું પણ હું કામ કરતો હોઉં ત્યારે પણ મને વચ્ચે વચ્ચે ત્વિષા અને શ્વેતા બંનેની યાદ આવતી રહે છે. ત્વિષાએ ખાધું હશે કે નહીં, તેઓ શું કરતાં હશે તેવા વિચાર ચાલ્યા કરતાં હોય છે. મહિલા બાળકને જન્મ આપે ત્યારે અસહ્ય પીડા વેઠે છે એટલે જ મને શ્વેતાની પણ ચિંતા રહે છે.
તે પોતાનું ધ્યાન રાખતી હશે કે કેમ, તે સમયસર જમી હશે નહીં તેવા વિચાર આવે છે. ત્વિષાને કાળજી લેવાનો સંપૂર્ણ શ્રેય હું શ્વેતાને આપવા માગુ છું. સમય પણ જાણે જલદી દોડી રહ્યો છે. ત્વિષા બે મહિનાની થઈ ગઈ છે. હું નથી ઈચ્છતો કે ત્વિષા આટલી જલદી મોટી થઈ જાય. હું ત્વિષા સાથે વધુમાં વધુ સમય વિતાવવા માગુ છું. ખાસ કરીને તેના આ બાળપણના દિવસો તો જરાય ચૂકવા નથી માગતો.
હું જ્યારે તેને વિડીયો કૉલ કરું ત્યારે તે મારો અવાજ સાંભળીને સ્માઈલ કરે છે. હવે તે સમજવા અને ઓળખા લાગી છે, આ સમય શ્રેષ્ઠ સમય છે.”SSS