દીકરો બે મહિનાનો થતાં કપિલએ નામનો ખુલાસો કર્યો
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્મા હાલ તો પરિવાર અને બંને બાળકો સાથે સુખદ સમય પસાર કરી રહ્યો છે. કપિલ શર્મા ફેબ્રુઆરી મહિનામાં દીકરાનો પિતા બન્યો હતો. દીકરો બે મહિનાનો થયા બાદ કપિલ શર્માએ તેના નામનો ખુલાસો કર્યો છે. સિંગર નીતિ મોહનની વિનંતી પર કપિલે દીકરાનું શું નામ પાડ્યું તે જણાવ્યું છે. હાલમાં જ ૨ એપ્રિલના રોજ કપિલ શર્માનો જન્મદિવસ હતો. ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સ, શુભચિંતકો અને સેલિબ્રિટીઝે કપિલ શર્માને બર્થ ડે પર શુભકામના પાઠવી હતી. કપિલે રવિવારે (૪ એપ્રિલ) સમય કાઢીને બર્થ ડે પર શુભકામનાઓ આપનારા સૌને આભાર માન્યો હતો.
આ દરમિયાન જ તેણે દીકરાના નામનો ખુલાસો પણ કર્યો હતો. સિંગર નીતિ મોહન કે જે હાલ પ્રેગ્નેન્ટ છે તેણે કપિલ શર્માને બર્થ ડેની શુભકામના આપતાં ટિ્વટર પર લખ્યું, “હેપી બર્થ ડે ડિયર કપિલ પાજી. તમને અને તમારા પરિવારને અઢળક પ્રેમ. હવે તો બાળકનું નામ જણાવી દો. સૌના આશ્ચર્ય વચ્ચે કપિલ શર્માએ દીકરાનું નામ જણાવી દીધું છે. આશ્ચર્ય એટલા માટે કારણકે દીકરાનો જન્મ થયો
ત્યારથી કપિલ કે ગિન્નીએ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર પણ શેર નથી કરી. ત્યારે કપિલના દીકરાનું નામ જાણીને નીતિ ઉપરાંત ફેન્સની ખુશીઓનો પણ પાર નહોતો. કપિલે નીતિને જવાબ આપતાં લખ્યું, “થેન્ક્યૂ નીતિ. આશા છે કે તું તારું ધ્યાન રાખતી હોઈશ. અમે તેનું નામ ત્રિશાન પાડ્યું છે. કપિલ અને ગિન્નીએ દીકરાનું નામ ત્રિશાન પાડ્યું છે. જેનો અર્થ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ. કપિલના જવાબ આપ્યા બાદ તરત જ નીતિએ પણ નામના વખાણ કર્યા હતા. તેણે લખ્યું, ત્રિશાન કેટલું સુંદર નામ છે. અભિનંદન પાજી. ત્રિશાન કપિલ શર્મા સાંભળવામાં સારું લાગે છે. ભગવાનની કૃપા હંમેશા તેના પર રહે. જે બાદ કપિલે નીતિનો આભાર માન્યો હતો. કપિલે નામનો ખુલાસો કરતાં ઘણા ફેન્સ હવે તેનો ફોટો શેર કરવાની પણ માગ કરી રહ્યા છે.