Western Times News

Gujarati News

દીદીના પરિવારની ઈચ્છા મેમોરિયલ બનાવવાની નથી

મુંબઈ, ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સ્વરકોકિલા લતા મંગેશકરનું અવસાન થયું હતું. જાન્યુઆરી મહિનામાં લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા હતાં અને સાથે ન્યૂમોનિયા પણ થયો હતો. ૨૮ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ મલ્ટી-ઓર્ગન ફેઈલ થતાં લતા મંગેશકરનું અવસાન થયું હતું. મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના શાસક પક્ષ દ્વારા શિવાજી પાર્કમાં લતા મંગેશકના નામે મેમોરિયલ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં હૃદયનાથ મંગેશકરે કહ્યું, અગાઉ આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે લતા મંગેશકનાં નામ પર મ્યૂઝિક ઈન્સ્ટીટ્યૂટ શરૂ કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા અને દીદીએ તેના માટે હામી ભરી હતી.

અમે ઈચ્છીએ છીએ કે, તેમનો વારસો જળવાઈ રહે અને તેમની સંગીતની કળા જીવતી રહે. જાે અમે તેમના વારસાને જીવતો રાખવા માગતા હોઈએ તો અમે મ્યૂઝિક ઈન્સ્ટીટ્યૂટને સહકાર આપીશું પણ મેમોરિયલને નહીં. ઉલ્લેખનીય છે કે, ૯૨ વર્ષની વયે ભારતરત્ન લતા મંગેશકરનું અવસાન થયું હતું.

કોરોનાના કારણે તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં આછો-પાતળો સુધારો થતો હતો. તબિયત સુધરતાં ૨૮ જાન્યુઆરીએ વેન્ટિલેટર હટાવી લેવાયું હતું. પરંતુ ૫ ફેબ્રુઆરીએ ફરી સ્વાસ્થ્ય લથડતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા અને ૬ ફેબ્રુઆરીએ સવારે ૮.૧૨ કલાકે તેમનું અવસાન થયું હતું. શિવાજી પાર્કમાં લતા મંગેશકરના અંતિમ સંસ્કાર થયા હતા.

જેમાં પીએમ મોદી, શાહરૂખ ખાન, આમિર ખાન, સચિન તેંડુલકર, શ્રદ્ધા કપૂર, રણબીર કપૂર વગેરે જેવી હસ્તીઓ સામેલ થઈ હતી. ગુરુવારે લતા મંગેશકરનાં પરિવારે તેમના અસ્થિ નાસિકના રામકુંડમાં વિસર્જિત કર્યા હતા. જણાવી દઈએ કે, લતા મંગેશકર પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં હતાં. લતા મંગેશકરના ચાર નાના ભાઈ-બહેનો છે, જેમનાં નામ છે આશા ભોંસલે, હૃદયનાથ મંગેશકર, ઉષા મંગેશકર અને મીના મંગેશકર.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.