દીપકલા જંક્શનના કર્મચારીએ શેઠના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો,
અમદાવાદ, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શનના શેઠ પ્રદીપ શાહના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે તમામ વાત માટે પોતાના શેઠને જવાબદાર ગણાવ્યા છે. હાલ કર્મચારીની હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. કર્મચારીએ જે સુસાઇડ નોટ લખી હતી તે શબ્દશઃ નીચે પ્રમાણે છે.
હું મારી સ્વચ્છાએ કનુભાઈ જી. પ્રજાપતિ આમાં મારા ઘરવાળાનો કોઈ વાંક નથી. મું મારી આત્મહત્યા કરું છું. તે માટે મારા માતાપિતા, બે ભાઈ, બે ભાભી અને પત્ની, છોકરાઓનો કોઈ વાંક નથી. આનાથી પોલીસ કમિશનરને જાણ કરવા માટે લખ્યું છે કે મારા ઘરવાળા નિર્દેષ છે. તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. મારું આત્મહત્યા કરવાનું કારણ મારાના દુકાનના શેઠ દિપકલા જંક્શન સેટેલાઇટ પ્રદિપભાઈ શાહના ટોર્ચર અને હેરાનગતીથી હું આત્મહત્યા કરું છું. પોલીસ કમિશરનરે જણાવવા માટે કે અમારા શેઠ ઉપર કડક પગલા લેવા વિનંતી અને ન્યાય અપાવવા માટે વિનંતી.
આમા મારા ઘરવાળા નિર્દોષ છે. તેમની ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. એમને ખબર પણ નથી. તે માટે નિર્દોષ છે. ખોખરા વિસ્તારમાં રહેતા કનુભાઈ પ્રજાપતિ છેલ્લા સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શન સાડીના શો રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શોરૂમના શેઠ પ્રદીપ શાહ કનુભાઈને જાણે ટાર્ગેટ બનાવ્યો હોય એમ પરેશાન કરતા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ કનુભાઈ જાે પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો ૨૫ ટકા પગાર અને જાે નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો ૫૦ ટકા પગાર કાપી લેતા હતા. શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા હતા. જાે ન આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા ન હતા. એકવાર કનુભાઈએ શેઠને અપમાનિત શબ્દો ન બોલવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.