દીપડાએ તરાપ મારી સસલાને પોતાનો ખોરાક બનાવી દીધો
વડોદરા, રાજ્યમાં દીપડાના માનવ પર હુમલાના સમાચાર કે પછી રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ શું ક્યારે તમે દીપડાને શિકાર કરતા જાેયો છે? ત્યારે વડોદરાના ઇટોલા ગામે મોડી રાત્રે દીપડાના શિકારના દ્રશ્યો સામે આવ્યા છે.
જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિકારની શોધમાં ઘણી વખત વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાના ઇટોલા ગામની સીમમાં બની છે. ઇટોલા ગામની સીમમાંથી મોડી રાત્રે એક ખેડૂત પોતાની કાર લઇને પસાર થઈ રહ્યો હતો. તે સમયે દીપડાએ સસલાનો શિકાર કર્યો હતો.
ખેડૂતે આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ગામની સીમમાં દીપડો રસ્તાની એક બાજુ શિકારના આવવાની રાહ જાેઈ રહ્યો છે. તે જ સમયે સામેથી એક સસલું આવી રહ્યું હતું. જેવું સસલું નજીક આવે છે કે દીપડો તરાપ મારી સસલાને દબોચી લે છે.
ત્યારે દીપડાના શિકારના દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર નજીકના ઇટોલા ગામની આસપાસ દીપડાની હાજરીએ ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ત્યારે આ દીપડો ક્યાંથી આવ્યો તે અંગે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.SS1MS