દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા આમલી મેનપુરના કિશોરના પરિજનોને રૂ. ૪ લાખની સહાય
ધાનપુર તાલુકામાં દીપડા દ્વારા થયેલા હિંસક હુમલામાં મૃત્યુ પામનારા કિશોરના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ચાર લાખની આર્થિક સહાય કરવામાં આવી છે. રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારના હસ્તે સહાયની રકમનો ચેક મૃતકના પરિજનોને આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં દીપડા દ્વારા ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં ઉત્પાત મચાવવામાં આવ્યો હતો. તે દરમિયાન આ દીપડો આમલી મેનપુર ગામમાં આવી ચઢ્યો હતો અને ૧૧ વર્ષીય રૈલેશ દીતાભાઇ પલાસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં રૈલેશ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તા. ૧૬ના રોજ રૈલેશનું મૃત્યું થયું હતું.
આ દુઃખદ ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગ દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા દિ૫ડા દ્વારા હુમલામાં માનવ મૃત્યુની સહાય આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ દિવસમાં આ સહાય મંજૂર કરી દેવામાં આવી હતી. ગત રવિવારે રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમાર આમલી મેનપુર ગામમાં પહોંચ્યા હતા અને મૃતકના પરિજનોને સાંત્વના આપી હતી. બાદમાં રૈલેશના પિતા શ્રી દીતાભાઇ નેવલા પલાસને સહાયનો ચેક આપ્યો હતો.
અત્રે એ પણ નોંધવું જરૂરી છે કે, માનવ પર હુમલા કરનારા આ દીપડાને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા પણ જંગલ આસપાસની વસ્તી ધરાવતા ગામોના લોકોને હિંસક વન્ય પ્રાણીઓથી બચવા માટે સતત જાગૃત કરવામાં આવે છે. સ્ટાફ દ્વારા ગ્રામજનો સાથે રહી નાઇટ પેટ્રોલીંગ ૫ણ કરવામાં આવે છે.