દીયા ઔર બાતીનો અનસ રશિદ બીજીવાર પિતા બન્યો

મુંબઈ: સીરિયલ દિયા ઔર બાતી હમનો એક્ટર અનસ રશિદ બીજીવાર પિતા બન્યો છે. અનસ રશિદના ઘરે દીકરાનો જન્મ થયો છે. અનસે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાની તસવીર શેર કરીને આ ગુડ ન્યૂઝ સંભળાવ્યા છે. તસવીરોમાં જાેઈ શકો છો કે અનસ રશિદનો દીકરો દાદા-દાદીના હાથમાં છે. અનસે દીકરાનું નામ ખબીબ પાડ્યું છે. શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે સૌનો આભાર માનતા અનસે લખ્યું, મારા પિતા તેમના પૌત્ર- ખબીબ અનસ રશિદનું ઘરે સ્વાગત કરી રહ્યા છે.
મારા સૌના અમૂલ્ય પ્રેમ અને જેની રાહ જાેતા હતા તે ઘડી પર શુભેચ્છાઓ આપવા બદલ આભાર. અનસ રાશિદ બીજીવાર પિતા બન્યો છે. ત્રણ વર્ષ પહેલા અનસે લગ્ન કર્યા હતા. અનસ અને પત્ની હિના ઈકબાલની એક દીકરી છે ઈનાયત. અનસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પત્ની અને દીકરી સાથે તસવીરો શેર કરતો રહે છે. અનસ પોતાના અંગત જીવનની મોટી ખુશીઓ અનોખા અંદાજમાં ફેન્સ સાથે વહેંચવાનું પસંદ કરે છે. અનસની દીકરીનો જન્મ થયો ત્યારે પણ તેણે એક વિડીયો પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
વિડીયો સાથે તેણે લખ્યું હતું, હાય, સ્નેહીજનો. ગઈકાલે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. મા અને દીકરી બંનેની તબિયત સારી છે. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર. અનસ રશિદ. અનસે ૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ હિના ઈકબાલ સાથે લગ્ન કર્યા. ચંડીગઢની હિના અનસથી ૧૪ વર્ષ નાની છે. હિના મૂળ અનસના વતન માલેરકોટલા (પંજાબ)ની છે. બંનેના લગ્ન લુધિયાણામાં થયા હતા. જણાવી દઈએ કે, અનસ રશિદ છેલ્લે સીરિયલ તુ સાંજ મેં પિયાજીમાં જાેવા મળ્યો હતો. આ સીરિયલ દીયા ઔર બાતી હમની સ્પીન-ઓફ હતી.