દીવ-દમણ અને દાદરાનગર હવેલીને વૈશ્વિક ફલક પર મુકવાની જવાબદારી પત્રકારોએ નિભાવવાની છે : પ્રફુલ પટેલ
ન્યાય, પત્રકાર અને ઈન્ફોર્મેશન એક્સચેન્જ વગર લોકતંત્ર ટકી શકે નહીં : ડૉ. ધીરજ કાકડિયા
દમણ, સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં આજે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા વાર્તાલાપ – રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અમદાવાદના અપર મહા નિદેશક શ્રી ધીરજ કાકડિયા સહિત મોટી સંખ્યામાં પત્રકારો અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.
મીડિયા વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે સંઘપ્રદેશ માટે આ મીડિયા વર્કશોપ નવતર પ્રયોગ છે, જેમાં શાસન અને પત્રકાર વચ્ચે વિચારો અને સંવાદની આપ લે થાય છે. નિયમોની જાણકારી મળે છે. આવા વર્કશોપના આયોજનથી સંવાદનો એક સેતુ સધાય છે.
પત્રકારો વિશે અને મીડિયા વિશે વાત કરતાં પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે સમાજ જીવન કૌટુંબિક જીવન અને રાજજીવન વચ્ચે એક નિયમિત મર્યાદા છે અને મર્યાદામાં રહીને કાર્ય કરવાથી પ્રશ્નો અને વિવાદો ઓછા કરી શકાય છે – ટાળી શકાય છે. આજે લોકો મીડિયાની વાતને સાચી સમજીને અમલ કરે છે, ત્યારે મીડિયાની જવાબદારી વધી જાય છે કે તે છપાતી ખબરોની સત્યતા તપાસે.
તેમણે દમણ, દીવ, દાદરા અને નગર હવેલીમાં થયેલા વિકાસ કાર્યો અને તેના મીડિયા અહેવાલો વિશે વાત કરતા જણાવ્યું કે છેલ્લા વર્ષોમાં સંઘપ્રદેશમાં જે વિકાસ થયો છે તેનું મીડિયાએ સરસ આલેખન કર્યું છે. દમણ, દીવ અને સંઘપ્રદેશની આજે એક વૈશ્વિક ઓળખ બની છે અને સંઘ પ્રદેશને વિશ્વના ફલક પર મુકવાની જવાબદારી આગળ પણ અહીંના પત્રકારોએ નિભાવવાની છે.
મીડિયા વર્કશોપને સંબોધન કરતાં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે ન્યાય, પત્રકાર અને ઈન્ફોર્મેશન એક્સચેન્જ વગર લોકતંત્ર ટકી શકે નહિ, તેમણે ઉપસ્થિત પત્રકારો અને અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અધિકારી અને પત્રકારો વચ્ચે માહિતીના આદાન-પ્રદાનથી સંવાદિતા વધે છે અને સાચી માહિતી લોકો સુધી પહોંચે છે.
મીડિયા વર્કશોપમાં પત્રકારોને મીડિયા અને મીડિયાના કાયદાઓ વિશે માહિતી આપતા વરિષ્ઠ પત્રકાર પરિક્ષિત જોષીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં દરેક પત્રકારે કાયદો અને તેની ગંભીરતા જાણી સમજીને તેનું આલેખન કરવું જોઈએ જેથી પત્રકારના વ્યવસાય કે પત્રકાર સામે ક્યારેય કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. મીડિયા વર્કશોપના અંતે વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપસિંહ ક્ષત્રિયએ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોની કામગીરીથી માહિતગાર કર્યા હતા તેમજ સોશ્યલ મીડિયા દ્વારા કઈ રીતે પીઆઈબી સાથે સંવાદ કરી શકાય તેની માહિતી આપી હતી. આ પ્રસંગે દમણ, દીવ, દાદરા અને નગરહવેલીના અધિકારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.