દુનિયાના દેશોને રસી વધુ વ્યાપક સ્તરે પૂરી પાડવામાં મદદ કરીને સહાય કરીશું: પ્રધાનમંત્રી

સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી પણ શરૂઆતથી જ નિભાવી છે.
નવી દિલ્હી, કોરોના શરૂ થયો તે સમયે માસ્ક, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ વગેરે અમે બહારથી મંગાવતા હતા, જેની આજે અમે સ્થાનિક જરૂરિયાતો તો પૂર્ણ કરીએ જ છીએ, પણ સાથે સાથે બીજા દેશોમાં મોકલીને ત્યાંના નાગરિકોની પણ સેવા કરી રહ્યા છીએ. અને આજે ભારતમાં જ દુનિયાનો સૌથી મોટો કોરોના રસીકરણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં અમે 30 મિલિયન હેલ્થ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓનુ રસીકરણ કરી રહ્યા છીએ. ભારતની ઝડપનો અંદાજ તમે એ બાબત ઉપરથી લગાવી શકો છો કે માત્ર 12 દિવસમાં જ ભારતે પોતાના 2.3 મિલિયન કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓનુ રસીકરણ કરી દીધુ છે.
Hon. PM Shri @narendramodi ji addressing virtual Davos Summit https://t.co/MDoy42uk1r
— Jagat Prakash Nadda (@JPNadda) January 28, 2021
હવે પછીના થોડાંક મહિનાઓમાં અમે અમારા આશરે 300 મિલિયન વૃધ્ધો અને કો-મોર્બિડીટી ધરાવતા દર્દીઓનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક પૂરો કરીશું.
જ્યારે દુનિયાના અનેક દેશોની હવાઈ સેવા બંધ હતી ત્યારે 1 લાખ કરતાં વધુ નાગરિકોને તેમના દેશમાં પહોંચાડવાની સાથે સાથે ભારતે 150થી વધુ દેશોને આવશ્યક દવાઓ પણ મોકલી આપી હતી. અનેક દેશોના આરોગ્ય કર્મચારીઓને ભારતે ઓનલાઈન તાલિમ પણ આપી હતી. ભારતની પરંપરાગત ઔષધિઓ એટલે કે ઈમ્યુનિટી વધારવામાં આયુર્વેદ કેવી રીતે સહાયક બની શકે છે તે બાબતે અમે દુનિયાને માર્ગદર્શન પણ પૂરૂ પાડ્યું હતું.
આજે ભારત કોરોનાની રસી દુનિયાના અનેક દેશોમાં મોકલીને ત્યાં પણ રસીકરણ સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ તૈયાર કરીને અન્ય દેશોના નાગરિકોનું જીવન પણ બચાવી રહ્યુ છે. અને એ જાણીને વર્લ્ડ ઈકોનોમિક ફોરમને હૈયાધારણ રહેશે કે હજુ તો માત્ર બે મેઈડ ઈન્ડિયા કોરોના રસી દુનિયામાં આવી છે. અને આવનારા સમયમાં અન્ય ઘણી રસી ભારતમાં તૈયાર થઈને આવવાની છે. દુનિયાના દેશોને રસી વધુ વ્યાપક સ્તરે અને વધુ ઝડપથી પૂરી પાડવામાં મદદ કરીને સંપૂર્ણ રીતે સહાય કરીશું.
ભારતની સફળતાની આ તસવીર, ભારતના સામર્થ્યની આ તસવીરની સાથે સાથે હું દુનિયાના આર્થિક જગતને એવો વિશ્વાસ આપવા માંગુ છું કે આર્થિક મોરચા ઉપર હાલત હવે ઝડપથી બદલાવાની છે. કોરોનાના સમયમાં ભારતે લાખો કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરીને રોજગારી માટે વિશેષ યોજનાઓ બનાવીને આર્થિક પ્રવૃત્તિ જાળવી રાખી હતી. એ સમયે અમે દરેકનું જીવન બચાવવા ઉપર ભાર મૂક્યો. હવે ભારતનું એક- એક જીવન દેશની પ્રગતિ માટે સમગ્ર જોશ સાથે આગળ વધી રહ્યું છે.
હવે ભારત આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ ધપી રહ્યું છે. ભારતની આત્મનિર્ભરતાની આ આકાંક્ષા વૈશ્વિકરણને નવી જ રીતે મજબૂત કરશે અને મને વિશ્વાસ છે કે આ અભિયાનથી ઈન્ડસ્ટ્રી 4.0 મારફતે પણ ઘણી મોટી મદદ મળશે. એની પાછળ કારણ પણ છે અને વિશ્વાસનો આધાર પણ છે.