“દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે”
“સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની”
બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અત્યારે બે આંકડાઓની ચર્ચા પુરા દેશમાં છે. એક તો કાશ્મીરમાંથી નાબૂદ કરેલી ૩૭૦ની કલમ અને આવનારા દિવસોમાં નર્મદા ડેમની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી ૭૦ વર્ષ સુધી પાણી માટે ગુજરાતે અનહદ સંઘર્ષ કર્યો છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આજે ઐતિહાસિક સપાટીએ છે અને થોડાક દિવસોમાં ૧૩૮ મીટરની સપાટી પર પહોંચશે અને સમગ્ર ગુજરાતને પાણીદાર બનાવશે. નર્મદા ડેમના ચણાયેલ દરવાજાઓએ ગુજરાતના વિકાસના દરવાજા ખોલેલ છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના લગભગ ૧૧૫ જેટલા ડેમ નર્મદાના નીરથી છલકાવવામાં આવ્યા છે જેના થકી સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની બહેનોને બે બેડાં પાણી માટે વલખા મારવા પડતા હતા.
પરંતુ આજે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પાણી ગામે-ગામ પહોંચ્યું છે. તાજેતરમાં જ નર્મદાના પાણી થકી કચ્છ જિલ્લાના ટપ્પર ડેમને ઓવરફ્લો કરવામાં આવ્યો છે. આમ નર્મદાનું પાણી ૬૦૦ કિલોમીટર દૂર કચ્છ જેવા સૂકા પ્રદેશોમાં પહોંચાડી રાજ્ય સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. આ જ રીતે આપણા શેત્રુજી અને ભાદર ડેમોને છલોછલ ભરી દેવામાં આવશે. આવા ભગીરથ કાર્ય થકી સમગ્ર પંથકનો ખેડૂત વધુ મજબૂત બન્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે જો સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી અને વીજળી નિયમિત મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં છે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરુ થયેલા જળ સંચયના કામોને લોકોએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે. આમ જળ અભિયાન એ જન અભિયાનમાં પરિણમ્યું છે.
છેવાડાના વિસ્તારના ખેડૂતોએ જળ સંચયનું બીડું ઝડપ્યું અને એક ઝુંબેશ ઉપાડી છે. બે બે વર્ષથી પરસેવો પડ્યો છે એ આજે પારસમણિ બનીને સમગ્ર પંથકને ફાયદારૂપ નીવડશે. આ ઉપરાંત તેમણે દરિયા કિનારે ૧૦ જેટલા ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવા અંગે વિગતે માહિતી આપી અને શહેરના ગંદા પાણીને વોટર રિસાયક્લિંગ કરીને ઉદ્યોગો, ખેડૂતોને અપાશે. દુકાળ એ ભૂતકાળ બને એ દિશામાં રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. જળ સંચયના આવા ભગીરથ કાર્યો થકી લોકોને પ્રેરણા આપવા બદલ લાલજીભાઈને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સૌથી વધુ ટપક સિંચાઇ પદ્ધતિનો લાભ લઇ ઉગામેડી ગામના ખેડૂતોએ પ્રગતિશીલ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સૌની યોજના અંતર્ગત લિંક ૨ અને લિંક ૪ નો સૌથી વધુ લાભ બોટાદ જિલ્લાને મળ્યો છે. જિલ્લાના કાનીયાડ ડેમ અને કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના નીરના આગમનથી પાણીની કોઈ સમસ્યા નહી રહે તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટૂંકસમયમાં ઉગામેડી ખાતે ૬૬ કે.વી સબસ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આમ જો પાણી અને વીજળીનો નિયમિત પુરવઠો ખેડૂત મિત્રોને મળશે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થશે. આ ઉપરાંત મંત્રીશ્રીએ ગ્રામજનોની એકતા, શ્રમદાનને અથાગ પરિશ્રમને બિરદાવી તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેટલાક સમય પૂર્વે વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા ઉગામેડી ગામે મોડલ જળ સંચય ગામ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ગામના સિમાડામાંથી નિકળતી સોનલ નદીને ૪ કિ.મી.ના એરિયામાં ફેરવવામાં આવી અને ૩૦ ફુટ ઉંડી ઉતારવામાં આવી. પુર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈએ દેશની નદીઓને જોડવાની કલ્પના વ્યક્ત કરી અને આ કલ્પના મુજબનું મોડલ કેરી અને સોનલ નદીનું જોડાણ કરીને ઉગામેડી ગામની ધરતી પર ૧.૨૫ કરોડ લીટર પાણી સ્ટોરેઝ શક્તિ ઊભી કરવામાં આવી છે.
જેથી ઉગામેડી તથા આજુબાજુના તમામ ગામના પાણી સ્તર ઉંચા આવ્યા છે અને કાયમી પાણીની સમસ્યાનો ખુબજ મોટો પ્રશ્ન ઉકેલાયો છે. અંદાજે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે બનેલ આ યોજનામાં ધર્મનંદન પરિવારના વડીલ શ્રી લાલજીભાઈનો ૮૦% સહયોગ તથા ૨૦% ગ્રામજનોના સહયોગથી સરકારની કલ્પના મુજબનું લોક ભાગીદારીથી ઉત્તમ જળ સંચયનું કાર્ય ઉગામેડી ગામ ખાતે થયું છે. આ યોજનાથી ખેડૂતોનું ઉત્પાદન તથા પશુપાલકોને ખુબ મોટો લાભ થયો છે તેમજ પર્યાવરણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ પણ થઈ. આવી રીતે આ ભગીરથ કાર્યથી વર્ષો સુધી તમામ જનતાને ખુબ જ ફાયદો થશે.
આ પ્રસંગે શ્રી લાલજીભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને શ્રી હિતેશ પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર, આત્મારામ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તા, જિલ્લા પોલીસ વડાશ્રી યાદવ, સર્વ આગેવાનશ્રીઓ શંભુભાઈ, નરશીભાઈ તેમજ જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.