દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર : ભારતની 11 કંપનીઓ સ્થાન મેળવવામાં રહી સફળ
નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં સફળ થઇ છે. આ યાદીમાં ભારત 10માં ક્રમે આવ્યુ છે. આ માહિતી હારુન ગ્લોબલ-500 રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે. હારુન ગ્લોબલ-500 યાદીમાં શામેલ આ 11 ભારતીય કંપનીઓનું કુલ બજારમૂલ્ય પાછલા વર્ષે 14 ટકા વધ્યુ છે. તેમની વેલ્યૂએશન 805 અબજ ડોલર આંકવામાં આવી છે જે ભારત દેશની કુલ જીડીપીના લગભગ એક તૃત્યાંશ બરાબર છે.
આ રિપોર્ટ મુજબ, આઇટીસી અને આઇસીઆઇસીઆઇ બેન્કને બાદ કરતા યાદીમાં શામેલ તમામ ભારતીય કંપનીઓની વેલ્યૂએશન કોરોના કટોકટીના વર્ષ 2020માં વધી છે. મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ 11 ભારતીય કંપનીઓમાં સૌથી ટોચ પર છે. 1લી ડિસેમ્બર સુધી કંપનીની માર્કેટ વેલ્યૂએશન વર્ષ દરમિયાન 20.5 ટકા વધીને 168.8 અબજ ડોલરે પહોંચી ગઇ હતુ. કંપની હારુન ગ્લોબલ-500ની યાદીમાં 54માં સ્થાને છે. ત્યારબાદ ટાટા ગ્રૂપની ટીસીએસનો નંબર છે અને હારુન ગ્લોબલ-500ની યાદીમાં 73માં ક્રમે આવી છે. પાછલા વર્ષે ટીસીએસની માર્કેટ વેલ્યૂ 30 ટકા વધીને 139 અબજ ડોલર થઇ છે. જે ભારતની બીજા ક્રમની સૌથી વધુ મૂલ્યવાન કંપની રહી છે.