દુનિયાનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ સુરતમાં
સુરત, વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે, પરંતુ હવે આ સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન આપણા સુરતમાં બનનાર ડાયમંડ બુર્સ બિલ્ડીંગ લઈ લેશે. કારણ કે, સુરતમાં તૈયાર થયેલું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ ૬૬ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે.
એટલું જ નહીં નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુરતના ખજાેદ વિસ્તારમાં તૈયાર થઈ રહેલા આ સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વના ટોચના ૪૩૦૦થી વધુ હીરાના વેપારીઓ કે કંપનીઓ અહીંયા પોતાનો કારોબાર શરૂ કરશે. આ સાથે જ સમગ્ર વિશ્વના ૧૭૫થી વધુ દેશના હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અહીં અવાર નવાર મુલાકાત લેશે.
ખાસ વાત તો એ છે કે, ડાયમંડ બુર્સમાં વિશ્વની શ્રેષ્ઠ તત્વ ઈઝ જ્વેલરી કંપની પોતાના શોરૂમના કામકાજ પણ કરનાર છે. અહીં ડાયમંડ બુર્સમાં વિશ્વના શ્રેષ્ઠ વેપારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફાઈવ સ્ટાર હોટલ, બેંક અને કસ્ટમની પણ સવલત ઉભી કરવામાં આવી છે.મહત્વની બાબત તો એ છે કે, સુરત ડાયમંડ બુર્સ કોઈ એક કંપનીએ કે વ્યક્તિએ તૈયાર નથી કર્યું પરંતુ સુરત અને મુંબઇના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ૪ હજારથી વધુ વેપારીઓએ સાથે મળીને આ ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર કર્યું છે.
૪ હજારથી વધુ વેપારીઓએ સાથે મળી એક કંપની બનાવી અને પોતાની જરૂરિયાત મુજબ જગ્યા અહીં ખરીદી છે. વિશ્વમાં યુનિક કહી શકાય તેવા આ પ્રોજેક્ટની કલ્પના પણ અન્ય વ્યવસાયીઓ કરી શકતા નથી, ત્યારે સુરતના હીરાના વેપારીઓએ એ કલ્પનાને વાસ્તવમાં પૂર્ણ કરી બતાવી છે.
સુરતમાં ડાયમંડ બુર્સ કાર્યરત થશે એટલે સુરતની જે આન-બાન-શાન છે તેને ચાર ચાંદ લાગી જવાના છે. હાલ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો સુરતના ડાયમંડ બુર્સને લઈને ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં જ દુબઈ ખાતે ચાલી રહેલા એક્સ્પોમાં જ્યારે હીરાના વ્યવસાયીઓ સમક્ષ સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું કે, ત્યાંની ૧૦થી વધુ મોટી કંપનીના સંચાલકોએ સુરતના આ ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. આજ દર્શાવે છે કે, આગામી સમયમાં સુરત વૈશ્વિક ઓળખ બનવા જઈ રહ્યું છે.
સુરત ડાયમંડ બુર્સનો દેશ-વિદેશમાં પ્રચાર-પ્રસાર કરવા માટે ડોક્યુમેન્ટરી બનાવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરી ૮૦ દેશની સ્થાનિક ભાષામાં બનાવાશે તથા આ ડોક્યુમેન્ટરીના ૨૨-૨૨ મિનિટના અલગ-અલગ એપિસોડ બનાવાશે અને ૮૦ દેશમાં ૬ મહિના સુધી આ ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવશે.SS3KP