દુનિયાનો સૌથી ખતરનાક સ્નાઈપર રશિયન આર્મી સામે લડવા યુક્રેન પહોંચ્યો
નવી દિલ્હી, રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેને વિદેશીઓને પણ આ લડાઈમાં સામેલ થવા માટે અપીલ કરી હતી.
જેના જવાબમાં દુનિયાના શ્રેષ્ઠ સ્નાઈપર પૈકીના એક ગણાતા કેનેડાના વલી યુક્રેન પહોંચી ચુકયા છે.
વલી કેનેડાની આર્મીના પૂર્વ સૈનિક છે.તે પોતાની પત્ની અને બાળકને મુકીને યુક્રેન આવ્યા છે.આ જ રીતે 2015માં તેઓ ઈસ્લામિક સ્ટે સામે લડવા માટે ઈરાક પહોંચી ગયા હતા.
2009થી 2011 દરમિયાન અફઘાનિસ્તાનમાં તે કેનેડાની સેના સાથે હતા.તે દરમિયાન તેમણે 3.5 કિલોમીટર દુરથી દુશ્મનને ટાર્ગેટ કરીને આખી દુનિયામાં ચર્ચા છેડી હતી.
સ્નાઈપર્સની લડવાની શૈલી અલગ હોય છે.તેઓ એક જગ્યાએ હાલ્યા ચાલ્યા વગર કલાકો સુધી ઘાત લગાવીને બેસી શકે છે અને તક મળતા જ અત્યાધુનિક ટેલિસ્કોપ સાથેની રાયફલથી દુશ્મનને ટાર્ગેટ બનાવે છે.એક સારો સ્નાઈપર દિવસમાં ચાર થી પાંચ શિકાર કરી શકે છે પણ વલીની ક્ષમતા તેના કરતા પણ ઘણી વધારે છે.
નિશ્ચિત પણે વલીનુ નામ રશિયન સૈનિકો માટે પણ અજાણ્યુ નહીં હોય અને તેમના માટે યુક્રેનમાં વલીની હાજરી ચિંતાનો વિષય બનશે.ફ્રેન્ચ મૂળના અને કેનેડામાં રહેતા 40 વર્ષીય વલીને આ નામ અ્ફઘાનિસ્તાનમાં મળ્યુ હતુ.વલીનો અર્થ રક્ષક થાય છે.
વલીએ યુક્રેન જતા પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, હું યુક્રેનના લોકોની મદદ કરવા માંગુ છું અને તે પણ એટલા માટે કે, યુક્રેનના લોકો યુરોપિયન બનવા માંગે છે અને તેના કારણે તેમના પર બોમ્બ મારો થઈ રહ્યો છે.