દુનિયાભરમાં કોરોનાનાં કેસ ઘટ્યા, યુરોપમાં સ્થિતિ હજુ પણ ખરાબ: WHO
નવીદિલ્હી, છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોનાનો ખતરો ઓછો થવા લાગ્યો છે. જી હા, આ અમે નહી પણ WHO દ્વારા કહેવામા આવી રહ્યુ છે. જાે કે અહી યુરોપને હજુ પણ ખતરામાં હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.
WHOનાં જણાવ્યા અનુસાર, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે યુરોપમાં હજી પણ કોરોના વાયરસનું જાેખમ છે. ગયા અઠવાડિયે અહીં કોરોનાથી મૃત્યુઆંકમાં ૧૦ ટકાનો વધારો થયો છે. માત્ર યુરોપમાં જ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુઆંક વધી રહ્યો છે જ્યારે વિશ્વનાં અન્ય ભાગોમાં પણ કોરોનાનાં કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે.
મહત્વની વાત એ છે કે યુરોપમાં સતત છઠ્ઠા સપ્તાહે કોરોનાનાં કેસમાં વધારો થયો છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ મહામારી અંગેનાં તેના સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે લગભગ ૩૧ લાખ નવા કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતાં લગભગ એક ટકા વધુ છે.
કોરોના વાયરસનાં સંક્રમણનાં લગભગ બે તૃતીયાંશ, એટલે કે ૧૯ લાખ કેસ યુરોપમાં નોંધાયા હતા, જ્યાં કેસની સંખ્યામાં સાત ટકાનો વધારો થયો હતો. વિશ્વભરમાં જે દેશોમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે તેમાં યુએસ, રશિયા, બ્રિટન, તુર્કી અને જર્મનીનો સમાવેશ થાય છે.
વિશ્વભરમાં કોવિડ-૧૯ મહામારીથી સાપ્તાહિક મૃત્યુઆંક લગભગ ચાર ટકા ઘટ્યો છે, અને યુરોપ સિવાયનાં દરેક પ્રદેશોમાં આ સંખ્યામાં ઘટાડો થયો છે. WHOએ જણાવ્યું હતું કે, અમેરિકામાં નવા સાપ્તાહિક કેસોમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે અને મૃત્યુમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકામાં રસીઓનો અભાવ હોવા છતાં, કોવિડ-૧૯ થી થતા મૃત્યુમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.
કોરોના વાયરસનાં વૈશ્વિક કેસ વધીને હવે ૨૫.૧૩ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૦.૭ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૭.૩૪ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.
ગુરુવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ અહેવાલ આપ્યો કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૨૫૧,૩૪૮,૩૩૨, ૫,૦૭૧,૭૫૭ અને ૭,૩૪૭,૭૩૫,૮૪૭ છે. જણાવી દઇએ કે, રશિયામાં દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં કામ પરનો નવ દિવસનો પ્રતિબંધ સમાપ્ત થયા પછી, મંગળવારે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે રેકોર્ડ સંખ્યામાં મૃત્યુ નોંધાયા હતા, જ્યારે નવા કેસ પણ બે દિવસમાં આવી રહ્યા હતા.
સત્તાવાર કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ અનુસાર, કોવિડ -૧૯ થી ૧,૨૧૧ લોકોનાં મોત થયા છે, જે એક દિવસમાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે. દેશમાં સંક્રમણનાં ૩૯,૧૬૦ નવા કેસ નોંધાયા છે. ટાસ્ક ફોર્સ અનુસાર, ઓક્ટોબર મહિનામાં દેશમાં દરરોજ લગભગ ૪૦,૦૦૦ નવા કેસ આવી રહ્યા છે, જ્યારે સંક્રમણનાં કારણે દરરોજ ૧,૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે.
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા મહિને રશિયન નાગરિકોને ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી કામ કરવાનું બંધ કરવા કહ્યું હતું. તેમણે પ્રાદેશિક સરકારોને જરૂરિયાત મુજબ વ્યવસાય બંધ કરવા માટેની સમય મર્યાદા લંબાવવાની સત્તા આપી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ પ્રદેશોએ આવું કર્યું છે.SSS