દુનિયાભરમાં ધૂમ મચાવશે કાશ્મીરનાં સફરજન અને કેસર
શ્રીનગર, નવાં કાશ્મીરનાં કેસર, સફરજન, મસાલા તેમજ અન્ય ઉત્પાદનો હવે દુનિયાભરમાં ધૂમ મચાવશે. દુબઈનું લુલુ ગ્રૂપ કાશ્મીરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યું છે. આ ગ્રૂપ ખેડૂતો પાસેથી ઉત્પાદનોની સીધી ખરીદી કરી રહ્યું છે. વિદેશી કંપનીઓએ ઘાટીમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. તેની શરૂઆત દુબઈ સ્થિત લુલુ કંપનીએ કરી છે. તેણે ઘાટીમાંથી ૨૦૦ મેટ્રીક ટન સફરજન ખરીદ્યા છે. કાશ્મીર કેસર અને કાશ્મીરી મસાલાઓને પણ આ ગ્રૂપ આયાત કરશે.
લુલુની અરબ દેશોમાં જબરદસ્ત પહોંચ છે. તે દુબઈ, ઓમાન, સાઉદી અરબ અને મધ્ય પૂર્વના વિવિધ દેશોમાં ૧૮૦ હાઈપર માર્કેટ અને શોપિંગ મોલના માલિક છે. સમૂહના માલિક યુસુફઅલી એમ.એ.છે.
ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓની ટીમે આ જ મહિનાની શરૂઆતમાં કાશ્મીરની મુલાકાત લીધી હતી. રાજ્ય પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે લુલુ ગ્રૂપે ઘાટીમાં કૃષિ અને બાગબાની ઉત્પાદનોની ખરીદી અને ફ્રૂડ પ્રોસેસિંગમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. આ ગ્રૂપ કાશ્મીરી કેસર પણ ખરીદી રહ્યું છે. કાશ્મીરમાં ઉત્પન્ન થતા ચોખા, કાળુ જીરૂ, મધ અને કેટલીક વિશેષ જડીબુટ્ટીઓ પણ તે ખરીદશે. આ ગ્રૂપ ખૂબ જ જલદી ઘાટીમાં પોતાનું લોજિસ્ટિક હબ સ્થાપિત કરવા જઈ રહ્યું છે.
જા બધું અનુકૂળ રહ્યું તો આ ગ્રૂપ સ્થાનિક સ્તર લગભગ ૪૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડશે. આ મહિનાની શરૂઆતમાં રાજ્યની મુલાકાતે આવેલાં લુલુ ગ્રુપના સમૂહે કૃષિ અને વાણિજ્ય ઉદ્યોગના અધિકારીઓ સાથે અલગ બેઠક કરવા ઉપરાંત કાશ્મીરના પ્રમુખ ઔદ્યોગિક એકમો કમ્બલ સ્પાઈસ, હર્બ હેવન, ફ્રૂટ માસ્ટર, શાલીમાર કાર્પેટ અને અન્ય પ્રમોટરો અને સંચાલકો સાથે મુલાકાત કરી હતી.