દુનિયામાં સૌથી વધારે માઈગ્રન્ટસ ભારતના, 1.8 કરોડ ભારતીયો બીજા દેશોમાં રહે છે

ન્યુયોર્ક, દુનિયાના કોઈ પણ દેશમાં જઈએ તો ભારતના લોકો અવશ્ય જોવા મળી જાય તેવુ કહેવાય છે.આ વાતને સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં પણ સમર્થન મળ્યુ છે.
આ રિપોર્ટ પ્રમાણે દુનિયાના વિવિધ દેશોમાં રહેતા માઈગ્રન્ટસની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો પહેલો ક્રમ છે.ભારતના 1.8 કરોડ લોકો દુનિયાના વિવિધ દેશોમાં રહે છે.એ પછી બીજો ક્રમ મેક્સિકો અને રશિયાનો આવે છે.આ બંને દેશોના 1.1 કરોડ લોકો બીજા દેશમાં રહી રહ્યા છે.એ પછી ચીનના એક કરોડ અને સિરિયાના 80 લાખ નાગરિકો બીજા દેશોમાં રહી રહ્યા છે.
ભારતીયોની વાત કરવામાં આવે તો સૌથી વધારે 35 લાખ ભારતીયો યુએઈમાં રહે છે.એ પછી અમેરિકામાં રહેતા ભારતીયોની સંખ્યા 27 લાખ અને સાઉદી અરબમાં રહેતા ભારતીયોની સંખ્યા 25 લાખ થવા જાય છે.આ સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા, કુવૈત, ઓમાન, કતાર અને બ્રિટેનમાં પણ ભારતીયોની નોંધપાત્ર વસતી છે.
ભારતના વિદેશ મંત્રાલયના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે 210 દેશોમાં 1.34 કરોડ ભારતીય મૂળના લોકો રહે છે.જોકે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં આ સંખ્યા વધારે દર્શાવાઈ છે.