Western Times News

Gujarati News

દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસમાં ભારત ત્રીજા નંબરનો દેશ

Files Photo

નવી દિલ્હી: સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર પહોંચ્યો છે. રોજના નવા કેસની સંખ્યામાં વધારો થતા ભારત દુનિયામાં ત્રીજા નંબરનો દેશ બન્યો છે જ્યાં સૌથી વધારે રોજના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ડબલ્યુએચઓ દ્વારા એકઠા કરતા આંકડા પ્રમાણે બ્રાઝિલ અને અમેરિકા પછી ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે કે જ્યાં રોજના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.

ડબલ્યુએચઓના ડેટા દર્શાવે છે કે ૨૨ માર્ચના રોજ બ્રાઝિલમાં ૭૯,૦૬૯ નવા કેસ નોંધાયા હતા, જે એ દિવસે દુનિયામાં સૌથી વધુ નોંધાયેલા કેસ હતા, જ્યારે અમેરિકામાં એ તારીખે ૬૦,૨૨૮ કેસ નોંધાયા હતા અને ભારતમાં ૪૬,૯૫૧ કેસ નોંધાયા હતા. ભારતમાં નવા કેસમાં મોટો ઉછાળો નોંધાયા બાદ ૧૯ માર્ચથી દુનિયામાં ત્રીજા નંબરનો કેસ બન્યો છે જ્યાં ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, આ પછી ભારતમાં કેસ વધી રહ્યા છે અને હજુ દુનિયામાં ત્રીજા સ્થાને જ છે. ભારતમાં સોમવારે નવા ૪૦,૬૨૨ કેસ નોંધાયા છે,

જાેકે, આ દરમિયાન આસામનો આંકડો મોડી રાત સુધી નહોતો આવ્યો. રાજ્યો પ્રમાણેના ડેટાનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે દેશમાં માત્ર કેટલાક જ રાજ્યો છે જ્યાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે વિકએન્ડ્‌સમાં સ્ટાફની અછત અને ટેસ્ટિંગ ઓછા થવાના કારણે નવા કેસનો આંકડો નીચો રહેતો હોય છે, પરંતુ નવ રાજ્યો એવા છે કે જ્યાં જાન્યુઆરી કે તે પહેલાના નવા કેસનો રેકોર્ડ ૨૨મી માર્ચેના દિવસે તોડ્યો છે.

ગુજરાતમાં સોમવારે ૧,૬૪૦ કેસ નોંધાયા છે, અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ જ રીતે સોમવારે કેટલાક રાજ્યોમાં મોટો ઉછાળો નોંધાયો છે જેમાં છત્તીસગઢ (૧,૫૨૫), મધ્યપ્રદેશ (૧,૩૪૮), દિલ્હી (૮૮૮) અને હિમાચલ પ્રદેશ (૨૦૦)નો સમાવેશ થાય છે. તામિલનાડુમાં પણ ૧,૩૮૫ નવા કેસ સોમવારે નોંધાયા છે, જે ડિસેમ્બર ૧૪ પછીનો સૌથી મોટો આંકડો છે. રાજસ્થાનમાં ૬૦૨ કેસ નોંધાયા છે, જે ૧ જાન્યુઆરી પછીનો સૌથી મોટો આંકડો રહ્યો છે.

આ જ રીતે ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં ૧૦ જાન્યુઆરી અને ૨૪ જાન્યુઆરી પછીના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો આ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ માથું ઉચકી રહ્યા છે, નવા કેસની સંખ્યા વધવાની સાથે ભૂતકાળમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ્‌સ તૂટી રહ્યા છે. રવિવારે દેશમાં મૃત્યુઆંક ૨૦૦ને પાર થઈ ગયા હતા. ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.