દુર્ગાષ્ટમી નવરાત્રે મુખ્યમંત્રી રુપાણીએ આદ્યશક્તિ જગદંબાની આરતી ઉતારી
મુખ્યમંત્રીશ્રીએ એસ.પી. સ્ટેડિયમ ખાતે અમદાવાદ મહાનગરપાલીકા આયોજીત શેરી ગરબા નિહાળ્યા.
ભવ્ય અને દિવ્ય માહોલ વચ્ચે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમ્યા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગરબા વિશ્વમાં ગુજરાતીઓની એક ઓળખ બની ગઈ છે. નવરાત્રિનો તહેવાર સૌ કોઈને પ્રિય છે. નવરાત્રી માતાજીના ગરબા ગાવાનો સાથે આદ્યશક્તિની ઉપાસનાનો અવસર છે. નવરાત્રી મહિલા-શક્તિનું સન્માન કરવાનો અનેરો અવસર પણ છે, એમ તેઓએ ઉમેર્યું હતું.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારના સહયોગથી અમદાવાદ મહાનગરપાલીકા દ્વારા આયોજીત શેરી ગરબા નિહાળતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી રંગેચંગે ઉજવાઈ છે અને ખેલૈયાઓ ઉત્સાહભેર ઝુમ્યા છે. આ વેળાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ આદ્યશક્તિ જગદંબાની આરતી ઉતારી સૌ કોઈને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, મ.ન.પા. કમિશ્નર શ્રી વિજયભાઇ નેહરા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના વિક્રમ નેગી અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.