દુલ્હનની એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતા પાડોશીએ ફટકાર્યો
અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં ૧૬ વર્ષના એક છોકરા પર તેની પિતરાઈ બહેનના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતાં પાડોશીએ હુમલો કર્યો હતો.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, ૩૮ વર્ષીય મનોજ ડાંગર અને તેનો મોટો ભાઈ પ્રવિણ ડાંગર (ઉંમર ૪૨) બુધવારે રાતે ગરબાના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા, જ્યાં પ્રવિણની દીકરી દેવ્યાની ઓપન કારમાં એન્ટ્રી મારવાની હતી. ગુરુવારે દેવ્યાનીના લગ્ન હતા.
તેમના પાડોશી અને આ કેસના આરોપી, કમલેશ મનુનું સ્કૂટર ડાંગરના ઘરની સામે રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવ્યું, જેના કારણે ગરબા ઈવેન્ટમાં દેવ્યાનીની એન્ટ્રી પર અવરોધ ઉભો થતો હતો.
મનોજનો ૧૬ વર્ષનો દીકરો મિતેષ અને તેમના પરિવારમાંથી મનોજ ચાવડા (ઉંમર ૧૮) નામનો અન્ય એક છોકરો મનુ પાસે ગયા હતા અને તેનું સ્કૂટર બીજે ક્યાંક પાર્ક કરવા માટે કહ્યું હતું, કે જેથી દેવ્યાની ઈવેન્ટમાં એન્ટ્રી મારી શકે.
મનુએ ચાવડાને કહ્યું હતું કે, તેઓ બીજે ક્યાંક જગ્યાએથી પણ એન્ટ્રી લઈ શકે છે, આ સિવાય તેણે તે પોતાનું સ્કૂટર અન્ય જગ્યાએ પાર્ક નહીં કરે તેમ પણ કહ્યું હતું. મનોજ ચાવડા અને મિતેષે સહેજ ભાર આપતાં, મનુએ તેમને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું અને ઝઘડો કરવા લાગ્યો હતો.
મનુ બાદમાં લાકડી લઈને આવ્યો હતો અને મિતેષના ચહેરા પર કેટલાક ઘા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મિતેષ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. મનુ અને તેની પત્નીએ તેને ધક્કો માર્યો હતો. મનોજ અને પરિવારના અન્ય સભ્યો, જેઓ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં વ્યસ્ત હતા, તેમને ઘટનાની જાણ થતાં તરત જ મિતેષ પાસે દોડી આવ્યા હતા.
મિતેષને તરત જ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેના ચહેરા પર ચાર અને હોઠ પર ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા. મેડિકો-લીગલ ફરિયાદ હોસ્પિટલમાં નોંધવામાં આવી હતી. આ સિવાય એલિસબ્રિજ પોલીસે મનુ અને તેની પત્ની સામે ઈજા પહોંચવા, ઉશ્કેરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધી હતી.SS1MS