Western Times News

Gujarati News

દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિમી વિસ્તરણ કરાશે

હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો ર્નિણય

(એજન્સી) ગાંધીનગર, હંમેશા તરસ્યા રહેતા કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારે મોટો ર્નિણય લીધો છે. કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. વિસ્તરણ કરાશે. રૂપિયા ૧૫૫૦ કરોડના અંદાજિત ખર્ચે આ કામગીરી હાથ ધરી અંજાર અને ભૂજ તાલુકાના વધુ ૧૩૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ આપવાનો ર્નિણય લેવાયો છે. આમ, ભૂજ-અંજારના લોકોની લોક માંગણીનો સુખદ અંત લાવવામાં આવ્યો છે.

કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ ૪૫ કિલોમીટર લંબાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠકમાં ખેડૂત હિતકારી ર્નિણય લેવાયો છે.

આ કેનાલ શાખા નહેરનું દૂધઈથી કુનારિયા સુધી એટલે કે વધુ ૪૫ કિલોમીટર વિસ્તરણ થવાના પરિણામે અંજાર તેમજ ભૂજ તાલુકાના ખેડૂતો અને લોકોની માંગણીનો સુખદ અંત આવશે.

વધારાની ૪૫ કિ.મી. લંબાઈમાં ૧૭૬ જેટલા મોટા સ્ટ્રક્ચર્સનું પણ બાંધકામ કરવાનો અને દૂધઈ પેટા શાખા ઉપરાંત તેના વિસ્તરણ માળખાના કામો પણ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા અમલવારી કરવાના આદેશો આ બેઠકમાં આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે,

અત્યાર સુધી દૂધઈ પેટા શાખા નહેરના ભચાઉથી દૂધઈ સુધીના ૨૩.૦૨૫ કિલોમીટર લંબાઈના કામો તથા તેના વિસ્તરણ માળખાના કામો પૂર્ણ થઈ ગયા છે. હવે, આ નહેરને ભુજ તાલુકાના કુનારિયા સુધી લંબાવાતા અંજાર તેમજ ભુજ તાલુકાના વધારાના ૧૩૧૭૫ એકર વિસ્તારને સિંચાઈ માટે નર્મદા જળ મળતાં થશે તેમજ પશુધનને પીવાના પાણી તથા ઘાસચારાની સમસ્યા દૂર થશે.

અંજાર અને ભૂજ તાલુકાના ખેડૂતો, અગ્રણીઓ, પદાધિકારીઓ વગેરેએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ મહત્વનો ર્નિણય કર્યો છે. આ નહેર પૂર્ણ થતાં નર્મદામાં પૂર વખતે ઉપલબ્ધ થતાં વધારાના પાણીમાંથી કચ્છને જે ૧ મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયેલ છે

તેના ભાગરૂપે રુદ્રમાતા ડેમમાં નર્મદાના પાણીનો સંગ્રહ થઈ શકશે. ગુજરાત સરકારે અંદાજીત રૂપિયા ૧૫૫૦ કરોડના ખર્ચે હાથ ધરાનારી આ દૂધઈ પેટા શાખા નહેરની તથા તેની વિસ્તરણ માળખાની નહેરોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

આ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, સરદાર સરોવર નર્મદા નિગમ ના ડાયરેક્ટર સિવીલ અને કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ ,જળ સંપત્તિ વિભાગના સચિવ અને ખાસ સચિવ તેમજ વરિષ્ઠ ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.