દૂધના ટેન્કરમાંથી મળેલો લાખોનો દારૂ અમદાવાદમાં ઉતારવાનો હતો
અમદાવાદ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે બુટલેગર્સે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં ઉતારવા માટેનો પ્લાન કરી દીધો છે. બુટલેગર્સના આ પ્લાન ઉપર પોલીસ પાણી ફેરવવા માટે તૈયાર છે જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની દિવાળી સુધારવા માટે મક્કમ છે.
દિવાળી પહેલાં ગાંધીનગર પોલીસે અમદાવાદના બુટલેગરનો ખેલ ઊંધો પાડી દેતાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી દીધો છે. રાજસ્થાન બોર્ડર વટાવીને દારૂ અમદાવાદમાં આવતો હતો અને પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
ગાંધીનગરના સોનીપુર- કોલવડા રોડ પરથી એલસીબી ટીમે બે દિવસ પહેલા અમૂલ દૂધના ટેન્કરમાંથી ૭,૬૬૮ નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ત્યારે ડ્રાઇવર ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જાેકે પોલીસે દારૂની ગાડીનું પાઇલટિંગ કરી રહેલા અર્ટિગા કારના ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો તેમજ બે વાહનો મળીને કુલ ૧૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દારૂના જથ્થાના આ ચકચારી કિસ્સામાં ગાંધીનગર સિવાય અન્ય જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થાય છે.
રાજસ્થાનથી દારૂનો જથ્થો અમદાવાદ સુધી પહોંચે છે. ત્યાં સુધીમાં બે ત્રણ જિલ્લા બદલાય છે.
જિલ્લા પોલીસની ધોંસ વધતા બુટલેગર વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે. અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચે તે પહેલા જ એલસીબી દ્વારા ઝડપી લઇ આ કીમિયો પણ નાકામ કરી દેવામાં આવ્યો છે.
રૂપાલ ગામમં વરદાયિની માતાની પલ્લીમાં પેથાપુર પોલીસ સહિત ગાંધીનગરની તમામ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે દારૂની હેરાફેરી ઝડપી કરવા માટે અમદાવાદી બુટલેગરે પ્લાન બનાવ્યો હતો. જાેકે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતાની સાથે જ તે એલર્ટ થઇ ગઇ હતી અને પેથાપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એલસીબી પીઆઇ જે.એચ. સિંધવને બાતમી મળી હતી કે, સોનીપુર – કોલવડા રોડ પરથી અમુલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ રવાના થવાનો છે.
એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવીને અમૂલ દૂધનાં ટેન્કરને ઝડપી લીધું હતું. જેમાં તપાસ કરતાં પોલીસને અંદરથી અલગ અલગ બ્રાન્ડની ૭,૬૬૮ નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જાે કે ગાડીનો ડ્રાઇવર પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી જવામાં સફળ રહ્યો હતો.
બીજી તરફ અમૂલ દૂધનાં ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂના જથ્થાને સહી સલામત રીતે અમદાવાદ પહોંચાડવા માટે પાઇલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવર કલ્પેશ ધીરુભાઇ વાઘેલાને (રહે.હંસ પ્રતાપ સોસાયટી, નવી સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ) ઝડપી લેવામાં આવ્યો હતો.
જેની પૂછતાછમાં અમદાવાદના સોનુ સિંધીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે વિદેશી દારૂની બોટલોનો જથ્થો, અમુલનું ટેન્કર અને કાર મળીને કુલ રૂ.૧૫૦૫, ૯૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે અમદાવાના સોનુ સિંધીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે જ્યારે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે દારૂનો જથ્થો બોર્ડર વટાવીને ગુજરાતમાં આવ્યો ત્યારે પોલીસે તેને ચેક કેમ નથી કર્યો.