દૂધનો ભાવ ન વધારાતા મહારાષ્ટ્રમાં દેખાવકારોએ હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળી દીધું

મુંબઈ. મહારાષ્ટ્રમાં દૂધનો ભાવ વધારવાની માંગને લઈને દૂધ વિક્રેતાઓનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોએ મંગળવાર સવારે હજારો લીટર દૂધ રસ્તા ઉપર ઢોળી દીધું હતું. હિંગોલમાં દૂધના ટેન્કરના ટાયર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. પરભણીના ઔંઢામાં દેખાવકારોએ ટ્રકને બળજબરીપૂર્વક રોક્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો. બારામતીમાં પોલીસે પાંચ દેખાવકારોની અટકાયત કરી હતી.
સ્વાભીમાની શેતકારી સંગઠને દૂધ વિક્રેતા ખેડૂતો માટે આંદોલનની જાહેરાત કરી છે. સંગઠન દૂધ અને દૂધ પાવડરની કિંમત વધારવાની માંગ કરી રહ્યા છે. હવે આ આંદોલનને ભાજપે પણ સમર્થન આપ્યું છે. ભાજપ અને રાષ્ટ્રીય સમાજ પાર્ટીના કાર્યકર્તાઓએ બારામતીમાં ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સૂત્રોચાર કર્યા અને ઓફીસ સામે દૂધ ઢોળ્યું હતું. અહીં આંદોલન કરી રહેલા 5 દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી.
દૂધનો ભાવ વધારવામાં આવે તેવી ખેડૂતો ઘણા દિવસથી માંગ કરી રહ્યા છે. કોઈ નિર્ણય ન લેવાતા તેઓનો ગુસ્સો વધી ગયો હતો. ઈંદાપુરમાં પૂર્વ મત્રી હર્ષવર્ધન પાટીલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે માંગ કરી હતી કે દૂધનો ભાવ વધારવામાં આવે. પૂણેમાં પણ દૂધનો ભાવ રૂ. 10 વધારવાની માંગ થઈ રહી છે. ખેડૂતોને વળતર આપવાની માંગને લઈને સાંસદ ગિરીશ બાપટ, પૂર્વ ધારાસભ્ય જગદિશ મલિકે પુણેના જિલ્લાધિકારી નવલ કિશોર રામને દૂધની થેલી આપી હતી.