દૂધ, ગેસ અને ચા માં ભાવવધારાથી ‘ચા’ ની ચુસ્કી મોંઘી પડશે
કટીંગ ‘ચા’ના ભાવમાં તોળાતો ર થી પાંચ રૂપિયા સુધીનો વધારો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉન અનલોકની સ્થિતિ વચ્ચે લોકોના ધંધા-રોજગારને વ્યાપક અસર થઈ રહી છે. જે ધંધા-રોજગાર રોકેટગતિએ ચાલતા હતા. તેમાં એકાએક ‘બ્રેક’ લાગી ગઈ છે. કોરોનાથી સૌ કોઈ પ્રભાવિત થયા છે.
ધંધો-વ્યવસાય કરનારા તથા નોકરીયાત વર્ગ સૌ કોઈને વખતે ઓછે-વત્તે અંશે આર્થિક ફટકો પડ્યો છે. કોરોનાને લઈને આ સ્થિતિ હતી ત્યાં મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની વ્યાપક અસર વર્તાઈ રહી છે. અન્ય તમામ ખાદ્ય-ચીજવસ્તુઓના ભાવ વધતા તેની અસર દરેક સ્તરે દરેક વર્ગને સ્પર્શી રહી છે.
દૂધ-શાકભાજી-ગેસ સીલીન્ડર ના ભાવ રોકેટ ગતિથી વધી રહ્યા છે. તો સામે પક્ષે આવક વધવાની જગ્યાએ ઘટી રહી છેે. દૂધ-સિલીન્ડરના ભાવ વધતા ચાની ચુસ્કી મોંઘી પડે એેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. દૂધ-સિલીન્ડર-ચા ના ભાવ વધ્યા છે. તેને કારણે ‘ચા’ કડવી બનશે. ગુજરાતમાં તો સવારથી મોડીરાત સુધી ‘ચા’ પીનારાઓેનો એક બહોળો વર્ગ છે. જેની સવાર ‘ચા’ થી શરૂ થાય છે.
અમદાવાદ જેવા મોટા શહેરમાં તો મોડીરાત સુધી ‘ચા’ના સ્ટોલ ધમધમતા જાેવા મળતા હોય છે. પરંતુ ‘કોરોનાના કારણે’ નિયંત્રણ આવી જતાં હવે ‘ચા’ ના સ્ટોલને વહેલા બંધ કરી દેવા પડે છે. તેને કારણે ચાના સ્ટોલધારકોને જબરજસ્ત આર્થિક ફટકો પડી રહ્યો છે. દિવસભરના કામ-ધંધેથી પરત ફરતા સેકડો લોકો રાત્રીના મિત્રો-સગાવહાલાઓ સાથે બેસીને ‘ચા’ની ચુસ્કીનો આનદ માણતા હતા તે હવે બંધ થઈ ગયો છે.
કોમર્શિયલ ગેસ, દૂધ ચા સહિતની સામગ્રીના ભાવમાં વધારો થતાં ‘ચા’ ના સ્ટોલ ધરાવનારાઓને ભાવ વધારો કર્યા સિવાય છૂટકો જ નથી. તેથી આગામી દિવસોમાં બહારની ચા પીતા લાખો-કરોડો ચાના રસિયાઓને વધારે પૈસા ચુકવવા પડશે. કટીંગ ચા ના ભાવમાં બે થી પાંચ રૂપિયા સુધીનો વધારો તોળાઈ રહ્યો છે.
આ અંગે ખેંતલાઆપા ટી સ્ટોલના અગ્રણી જીજ્ઞેશભાઈનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે દૂધ-ગેસ સિલીન્ડર તથા અન્ય આનુષંગિક ચીજવસ્તુઓ ના ભાવ વધતા ‘ચા’ના ભાવમાં વધારો કર્યા સિવાય છૂટકો જ નથી. તેથી એકાદ-બે રૂપિયાનો વધારો કરાય એવી પૂરી શકયતાઓ છે. જાે એમ નહીં થાય તો બીજી તરફ ખર્ચને બેલેન્સ કરવા સ્ટાફની સંખ્યા ઘટાડવી પડે એેવી સ્થિતિ સર્જાશે.
જ્યારે આ અંગે પૂછતાં પ્રહ્લાદનગરની આશા ટી સ્ટોલના અગ્રણી તેજસભાઈ ઠક્કરે ટેેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે માત્ર દૂધ-ગેસ સીલીન્ડર નહીં પણ ચા બનાવવા વપરાશમાં લેવાતી સુકી ચા ના ભાવ પણ વધ્યા છે. દૂધના ભાવમાં તો અવારનવાર વધારો નોંધાતો જ હોય છે. જે અડધી ચા ૧૦ રૂપિયામાં મળતી હતી તેના ૧ર થી ૧પ રૂપિયા કરાય તો નવાઈ રહેશે નહીુ.
અમુક વિસ્તારોમાં તો રૂા.૧ર અને રૂા.૧પની ચા એવા પણ બોર્ડ મારેલા જાેવા મળી રહ્યા છે. ખાસ તો ‘ચા’નો ધંધો દિવસ-રાત ચાલતો હોય છે. તેમાં સાંજના ૭ વાગ્યાથી રાત્રીના ૧ર વાગ્યા સુધી ‘ટી સ્ટોલ’ પર જે ધરાકી જાેવા મળતી હતી તે કોરોનાને કારણે તથા રાત્રીના કફ્ર્યુની સમયમર્યાદાને કારણે જાેવા મળતી નથી. જેને લીધે ધંધા-રોજગાર પર વિશેષ અસર જાેવા મળતી હોય છે.