દૂધ મંડળીની કમિટી સામે સત્તા જાળવી રાખવા બોગસ મતદારો ઉભા કર્યા હોવાના આક્ષેપો
બાયડ તાલુકાની સરસોલી દૂધ મંડળીના ચૂંટણી અધિકારીને ચૂંટણી પ્રક્રિયાના કોઈ નિયમોની ખબર જ નથી, તેમ તેમણે કબૂલાત કરતાં જણાવ્યું
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) પૂર્વ ચેરમેન દ્વારા પોતાની સત્તા જાળવી રાખવા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ન હોય તેવા અને ગામની જે દીકરીઓ પરણી પોતાની સાસરીમાં રહેતી હોય, તેમજ ચેરમેનના ભાણી ભાણીયા જેઓ પહેલાં તેમના ઘરે રહેતા હતા.
પણ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અન્ય ગામમાં વસી ગયા હોવા છતાં તેવા પચીસ જેટલા નામો દૂધ મંડળીમાં સભાસદ તરીકે ચાલુ રાખવામાં આવ્યાં છે તે પ્રકારના ગંભીર આક્ષેપો દૂધ મંડળીના અન્ય સભાસદો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વધુમાં ગામના યુવા કાર્યકર જશપાલભાઇ ચૌધરી અને પૂર્વ તાલુકા સદસ્ય દિલીપભાઇ પટેલ તેમજ અન્ય સભાસદોના જણાવ્યા મુજબ મંડળીના જવાબદાર કર્મચારી સેક્રેટરીના સ્થાને ગેરબંધરણીય રીતે દૂધનું ટેસ્ટિંગ કરતાં કર્મચારીની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,
જેમણે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધું પરંતુ તેમને ચૂંટણીના નિયમોની કોઈ જાણકારીજ નથી. વધુમાં જેમને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમનો સગો ભત્રીજાે પણ દૂધ મંડળીની ચૂંટણીમાં સભ્ય તરીકે ઝંપલાવવાનો છે, ત્યારે ચૂંટણી અધિકારી તરીકે તેમના દ્વારા ન્યાયિક પ્રક્રિયા હાથધરાશે…? તે પણ એક મોટો સવાલ છે…!
આ બાબતે જ્યારે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા દૂધ મંડળીના કર્મચારી સુરેશભાઇ વાળંદને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણીનું જાહેરનામું તો બહાર પાડ્યું પરંતુ તેમને ચૂંટણી પ્રક્રિયાના કોઈ નિયમોની ખબર જ નથી, તેમજ તેમણે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, અન્ય ગામમાં વસેલા લોકો પણ દૂધ મંડળીમાં સભાસદ છે અને તેઓ મતાધિકાર ધરાવે છે.
હાલતો સરસોલીના પશુપાલકોએ આ બાબતને લઈ ચૂંટણીની તારીખ લંબાવવાની સાથે બોગસ સભાસદો રદ કરવા તેમજ ચૂંટણીની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટે જિલ્લા રજિસ્ટ્રાર તેમજ ગાંધીનગર સહકાર મંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું, અને તંત્ર દ્વારા યોગ્ય ન્યાય નહી મળેતો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.