દૂર દૂર સુધી યુવક યુવતી સંબંધી ન હોવાથી કોર્ટે અંતે લગ્નની મંજૂરી આપતા પોલીસ સુરક્ષા પણ આપી
પાંચ પેઢીના નામ પૂછીને કોર્ટે લગ્ન કરવાની મંજૂરી આપી -આટીઘૂટી ઉકેલીને યુવક-યુવતીને લગ્નની મંજૂરી આપી
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો જેમાં એક જ જ્ઞાતિના યુવક અને યુવતી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા.પરંતુ યુવતીના કુટુંબનો વિરોધ હોવાથી અંતે બંને નાસી ગયા હતા. ત્યારબાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
યુવતીના કુટુંબ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેમનામાં એક જ શેરીમાં અને દૂરના સગા થતા હોય તેવા યુવક યુવતીના લગ્ન કરવામાં આવતા નથી. આ તેમની પરંપરા છે જેથી તેનું માન જાળવવું જાેઇએ. જે બાદ હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંગીતા વિશેનની ખંડપીઠે બંને પક્ષોને પોત પોતાની પાંચ પેઢીના નામ જણાવી વંશવેલો જણાવવા કહ્યું હતું.
યુવતીના ઘરવાળાએ પોતાની ચાર પેઢીના નામ જણાવ્યા હતા જ્યારે યુવકના કુટુંબે બે પેઢીના નામ આપ્યા હતા. આ માહિતી લીધા બાદ ખંડપીઠે આદેશમાં નોંધ્યું કે આ કોઈ પણ રીતે સપીંડ લગ્ન નથી જે હિંદુ કાયદામાં પ્રતિબંધિત છે. યુવતીના પિતા દૂર દૂર સુધી ક્યાંય યુવક તેમનો સંબંધી થતો હોય તેવો પુરાવો આપી શક્યા નથી.
આ પ્રકારનું અવલોકન કરી હાઈકોર્ટે યુવક યુવતીને લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હતી. અત્યંત વિચિત્ર અને અજીબોગરીબ આ કેસમાં યુવક દ્વારા હાઈકોર્ટ સમક્ષ હેબિયક કોર્પસ અરજી કરવામાં આવી હતી. જેમાં એવી હકીકત સામે આવી હતી કે યુવક યુવતી બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. બંને પુખ્તવયના છે અને એક જ જ્ઞાતિના છે.
પરંતુ યુવતીના કુટુંબીજનોનો વિરોધ હતો. યુવકનું કહેવું હતું કે બંને કાયદા મુજબ લગ્ન કરવાની પાત્રતા ધરાવે છે. પરંતુ યુવતીના કુટુંબીજનો વિરોધ કરી રહ્યા છે અને યુવતીને ગોંધીને રાખવામાં આવી છે. ત્યારબાદ હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરીને યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવાનું કહ્યું હતું.
યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા યુવતીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તે વયસ્ક છે અને યુવક સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ કોર્ટ સમક્ષ યુવતીના પરિવારજનોએ એવી વિચિત્ર રજુઆત કરી કે યુવક અને યુવતીના કુટુંબો વચ્ચે દૂરના સંબંધો છે. તેમજ તેઓ એક જ શેરીમાં રહેતા હોવાથી તેમના લગ્ન અસંભવ છે.
જે બાદ હાઈકોર્ટે સંબંધોનું આ ગુચવાડું ઉકેલવા માટે બંને પક્ષોને તેમનો વંશવેલો જણાવવા માટે કહ્યું હતું. જે માહિતી મેળવ્યા બાદ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવ ીહતી કે બંને કુટુંબ વચ્ચે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તેથી લગ્ન ગેરકાયદે કે અયોગ્ય ગણી શકાય નહીં.
એટલું જ નહીં યુવતીને રતાંધણાપણું હોવાની હકીકત પણ સામે આવી હતી. પરંતુ યુવકે તેમ છતા પણ તેને સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી. તો સામે પક્ષે યુવકના કુટુંબે પણ કોઈ પ્રકારનો વાંધો દર્શાવ્યા વગર યુવક યુવતી બંનેને સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી. જેથી તમામ તથ્યોને આધારે કોર્ટે પોતાનો ચુકાદો આપતા યુવક યુવતીને લગ્નની મંજૂરી આપી હતી અને પોલીસ સલામતી આપવા માટે આદેશ કર્યો હતો.