દેત્રોજ રામપુરા તાલુકામાં ગર્વભેર લહેરાયો તિરંગો, ઉત્સાહભેર જોડાયા દેત્રોજવાસીઓ
તાલુકા વહીવટી તંત્ર અને તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ તિરંગા યાત્રા
તાલુકાના વહીવટી પદાધિકારીઓ/અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિત 700 જેટલા નગરજનો ઉત્સાહપૂર્વક થયા સહભાગી
આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉલ્લાસમાં નાગરિકોને સહભાગી બનાવવાના ઉદ્દેશ સાથે દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગવંતુ બનાવતી તિરંગા યાત્રાઓમાં નાગરિકો અનેરા ઉત્સાહ સાથે સહભાગી થઈ રહ્યા છે.
દેત્રોજ તાલુકા વહીવટી તંત્ર અને તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રા દેત્રોજ તાલુકા પ્રાથમિક શાળાથી મુખ્ય બજાર થઈને ગ્રામ પંચાયત સુધીના વિસ્તારોમાં ફરી હતી. તાલુકાના વહીવટી પદાધિકારીઓ/અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિત 700 જેટલા ગ્રામજનો/તાલુકાના નાગરિકોએ સહભાગી થઈને રાષ્ટ્રપ્રેમની ભાવના જીવંત કરી હતી.
તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ,જિલ્લા સદસ્યશ્રીઓ, મામલતદારશ્રી-દેત્રોજ રામપુરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી-દેત્રોજ રામપુરા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી-દેત્રોજ, સંગઠન પ્રમુખશ્રી સહિત પદાધિકારીગણ, કર્મચારીશ્રીઓ અને પોલીસ જવાનો સહભાગી થયા હતા.