દેના બેંક-બેંક ઓફ બરોડામાં ફિલ્મી સ્ટાઇલથી લૂંટ કરાઈ
અમદાવાદ: એક સાથે બે બેંકમાં લૂંટની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. પાંચથી વધુ શખ્સોએ એક સાથે દિનદહાડે બે બેન્કમાં લૂંટ કરતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. આ સંદર્ભમાં પોલીસને હજુ સુધી કોઈ સફળતા હાથ લાગી નથી. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર પંથકમાં પણ ચોરી, લૂંટ, ધાડ સહિતની ગુનાખોરીનો આંક ગંભીર રીતે વધી રહ્યો છે.
ખાસ કરીને આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટ, બેંકમાં લૂંટ સહિતના અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યું છે. રાજકોટના મોરબી રોડ પરની મહેન્દ્રનગરની દેના બેંક અને બેંક ઓફ બરોડામાં હથિયારધારી પાંચ જેટલા શખ્સોએ ફિલ્મી સ્ટાઇલથી સનસનાટીભરી લૂંટ ચલાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લૂંટારાઓ હથિયાર બતાવી દેના બેંકમાંથી રૂ.દોઢ લાખની અને બેંક ઓફ બરોડામાંથી રૂ.૪.૫૦ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રનગરની બેંક ઓફ બરોડા શાખા અને દેના બેંકમાં પાંચ શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા હતા. પાંચેય શખ્સોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ ચલાવી હતી. જેમાં બેંક ઓફ બરોડા બેંકમાંથી રૂ.૪,૫૦,૦૦૦ અને દેના બેંકમાંથી ૧,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા બી ડિવીઝન પોલીસ અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારા હિન્દીભાષી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારા લૂંટ કરી ફરાર થતા જ મોરબી જિલ્લામાં આવતા અને જતા રસ્તા પર ઠેર ઠરે નાકાબંધી કરવામાં આવી છે. હાલ પોલીસે બેંકના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે લોકો પણ એકત્ર થઇ ગયા હતા. પોલીસે હાલ બેંકના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે અને લૂંટારાઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.