દેવગઢબારિયામાં બાળકોએ મનાવી સંગીતમય “તિલક હોળી”
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારિયા નગરપાલિકા દ્વારા બાલમંદિર થી ધોરણ ૪ સુધીના શાળાઓના બાળકો માટે મહારાજા જયદિપસિંહ ઉદ્યાનમાં સંગીતમય તિલક હોળીનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ઓર્ગેનિક કલર વડે એકબીજાને રંગીને તિલક હોળીની ઉજવણી કરી હતી.
આજ રોજ સવારે મહારાજા જયદિપસિંહ ઉદ્યાન ખાતે બાલમંદિર, રોઝ બડ સ્કૂલ, ઈરા સ્કૂલ, બચપન સ્કૂલ, શ્રીજી સ્કૂલ સહિતની શાળાઓના બાળકો તેમના શિક્ષકો સાથે મોટી સંખ્યામાં તિલક હોળી માટે એકઠાં થયા હતા. તેઓને નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મી સોનીએ હોળીનું મહત્વ વિષે માર્ગદર્શન આપ્યું હતું.
ત્યાર પછી પાલિકા પ્રમુખે બાળકોને રંગ છાંટીને તિલક હોળીનો શુભારંભ કરાવ્યો હતો. બાળકોએ ઓર્ગેનિક કલર વડે એકબીજાને રંગવા અને રંગાવા માટે દોડાદોડી કરી મૂકી હતી. રંગોની છોળો વચ્ચે ડીજેના તાલે નાચગાન કરતાં બાળકો એકદમ ખુશખુશાલ જાેવા મળ્યાં હતા.
તિલક હોળી ટાણે આહાર સંસ્થા દ્વારા બાળકોને ધાણી-ખજૂરનું વિતરણ કરાયું હતું. આ રંગોત્સવમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિજયભાઈ ઇટાલિયા, કારોબારી અધ્યક્ષ સજ્જનબા ગોહિલ, કાઉન્સિલર અંબાબેન મોહનીયા, શબાનાબેન મકરાણી, ઇકબાલભાઈ પટેલ, નગરપાલિકા સ્ટાફ અનુરાજસિંહ પુવાર, બ્રિજેશભાઈ પટેલ, કાર્તિકભાઈ સિસોદિયા, વિકીભાઈ પંડ્યા, અશોકભાઈ ચૌહાણ સહિત નગરજનો હાજર રહ્યાં હતા.