દેવગઢબારીયા તાલુકામાં બાઇક ચોર ટોળકીનો તરખાટ
દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રાત્રિના સમયે ત્રાટકેલા બાઈક ચોરોએ અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલી મોટર સાયકલોની ઉઠાંતરી કરી દેવગઢબારિયા પોલીસના સગન રાત્રિ પેટ્રોલિંગની ગુલબાંગોને પોકળ પૂરવાર કરી દેતા તાલુકા પંથકના વાહન ધારકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના પિપલોદ ગામે ગત તારીખ ૨.૩.૨૦૨૧ ના રોજ રાત્રિના સમયે ત્રાટકેલ બાઇક ચોર ટોળકીએ ત્રણ જુદી જુદી જગ્યાએ પોતાનો કસબ અજમાવ્યો હતો.
જેમાં પીપલોદ ગામે બારીયા રોડ પર તળાવ નજીક આવેલ રામેશ્વર વિલા સોસાયટીમાં રહેતા અને કડિયા કામ કરતા વિજયભાઈ જનિયાભાઈ રાઠવાની તેમના ઘર આગળ લોક મારી પાર્ક કરેલ રૂપિયા ૫૦,૦૦૦/-ની કિંમતની લાલ કલરની જીજે.૧૭.બીક્યું.૮૨ નંબરની હીરો એસ.એફ ડીલક્ષ મોટરસાયકલ તથા પીપલોદ બજારમાં બસ સ્ટેન્ડ પાસે ભાડાના મકાનમાં રહેતા વિજયકુમાર રમેશભાઈ અમલીયારની તેમના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ જીજે.૨૦.એસ.૭૫૬૦ નંબરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ તેમજ પીપલોદ બજારમાં શ્રીજી સોસાયટીમાં ભાડેથી રહેતા પ્રદિપસિંહ અરૂણસિંહ રાઠોડની તેમના ઘરના આંગણામાં લોક મારીને પાર્ક કરેલ જીજે.૧૭.બીડી.૦૫૧૯ નંબરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી એક જ રાતમાં ત્રણ મોટર સાયકલો ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે નોંધાયેલી ફરિયાદના આધારે દેવગઢબારિયા પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.