દેવગઢબારીયા: પાનમ નદીના પટમાં ગેરકાયદે રેતીખનનઃ ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
દેવગઢ બારીયા, દેવગઢ બારીયા તાલુકાના ઉચવાણ ગામે ગેરકાયદે રેતી માફિયાઓ પર પંચમહાલના ખાણખનીજ વિભાગે દરોડા પાડી ૧ હિટાચી મશીન, ૧૧ ડમ્પર તેમજ ૩ ટ્રેકટરો મળી કુલ રૂા.૩.૦પ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારીયા તાલુકામાં પાનમ તેમજ ઉજજળ નદીમાં જુનાબારીઆ ચેનપુર, રાતડીયા, રામા, બેણા, સહિતના ગામોમાં ગણતરીની રેતીની લીઝો આવેલી છે તે સિવાય આજ ગામોમાં તેમજ અન્ય ગામો ઉચવાણ, જુનાબારીયા, ભડભારાતડીયા, ચેનપુર, રામા તેમજ દુધિયા, બેયના ગામમાં બેરોકટોક મોટાપાયે સફેદ રેતીનો કાળો વેપલો ધમધમી રહ્યો છે.
તાલુકામાં ઉજળ તેમજ પાનમ નદીના પટમાં કેટલાક લીઝહોલ્ડરો ખાનગી સર્વે નંબરો તેમજ લીઝ હદ વિસ્તારની બહારથી મોટાપાયે રેતીખનન કરી રહ્યા છે તેવી અનેક વખત ફરીયાદો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હતી.
મોટી સંખ્યામાં વાહનો ઝડપાતા પંચમહાલ ખાણખનીજ વિભાગે સ્થાનિક પોલીસની પણ મદદ લેવી પડી હતી. ખાણખનીજ વિભાગે મોડી રાત સુધી વાહનો નદીમાંથી બહાર લાવવા કાર્યવાહી કરી હતી. કેટલાક હિટાચી મશીન રેતી ઉલેચતા ઉલેચતા દુર ખેતરોમાં લઈને ભાગી ગયા હતાં.