દેવગઢ બારિયા તાલુકાના મોટી ઝરી ગામને લીલા લહેર ! હવે સવા સો ખેડૂતોને બારેમાસ સિંચાઇનું પાણી મળશે
દેવગઢ બારીયા: દેવગઢ બારીયા તાલુકાના મોટી ઝરી ગામે રૂ. ૫૭.૧૪ લાખના ખર્ચે તૈયાર ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાપર્ણ કરતા રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ દાહોદ, તા. ૧૬ : દેવગઢ બારીયા તાલુકાના મોટી ઝરી ગામે રૂ. ૫૭.૧૪ લાખના ખર્ચે તૈયાર થયેલી ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાપર્ણ રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કર્યુ હતું. ચન્દ્રોઇ નદીના કિનારે આકાર પામેલી આ યોજનાથી ૫૩ હેકટર વિસ્તારને સિંચાઇનું પાણી મળી રહેશે અને આ વિસ્તારના ૧૨૫ જેટલા ખેડૂતો બારે માસ ખેતી માટે સિંચાઇનું પાણી મેળવી શકશે. આ સિંચાઇ યોજનાની મુખ્ય લાઇનની લંબાઇ ૫૭૫ મીટર અને ડીસ્ટ્રીબ્યુશન લાઇનની લંબાઇ ૩૭૫૧ મીટર છે.
સિંચાઇ યોજનાના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, સરકારે આ વિસ્તારના ખેડૂતો માટે બારે માસ સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી છે. ત્યારે, ખેડૂતોની પણ જવાબદારી છે કે આ યોજનાનું જતન કરો. તમારી મંડળી દ્વારા યોગ્ય માવજત રખાય તે પણ એટલું જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને સમુદ્ધ કરવા એ રાજય સરકારની પ્રાથમિકતા છે. રાજય સરકારે આ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે તેનો તમે મહત્તમ લાભ લો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જણાવતા તેમણે કહ્યું કે, ખેડૂતોએ હવે પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી જોઇએ અને બારેમાસ અલગ અલગ પાક લો. રોકડીયા પાકો, બાગાયતી પાકોની ખેતી કરો, આપણી ખેતીની અસલ પરંપરાને અનુસરીને ખેતી કરો. સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરો જે તમારી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી નાખશે.