Western Times News

Gujarati News

દેવગઢ બારીયામાં ઉજવાયો ગ્રામીણ રમતોત્સવઃ હોકીના એસ્ટ્રો ટર્ફ મેદાનનું લોકાર્પણ

વિજયાદશમીના પાવન દિવસે  વિજેતા રમતવીરોને રોકડ પુરસ્કાર એનાયત

ગ્રામીણ રમતોની આવતી કાલને ઉજળી બનાવીએ –  બચુભાઇ ખાબડ

દેવગઢ બારીયાની ઐતિહાસીક ભૂમિ રમતવીરોની જન્મદાત્રી પણ રહી છે – જસવંતસિંહ ભાભોર

દાહોદ, મગંળવાર : વિજયા દશમીના પાવન અવસરે દેવગઢ બારિયા ખાતે ૧૬મી ગ્રામીણ ઓલપ્મીકનો પ્રારંભ થયો છે. ગ્રામીણ યુવાનો અને રમતોને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ પરંપરાની આ સોળમી શ્રૃંખલાનો રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વળી, દેશી રમતોએ દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ ગ્રામીણ રમતો કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, લાંબી દોડ, આર્ચરી, ગીલ્લોલ, ગોફણ, ગેડી દડા, માટલા દોડ વગેરે દ્વારા ખેલાડીઓએ ગ્રામીણ ઓલમ્પિકમાં રંગ જમાવ્યો હતો. આ પ્રસંગે હોકીના અત્યાધુનિક એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

૧૬માં ગ્રામીણ ઓલમ્પિકનું ઉદ્ધાટન કરતા રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે,  ૧૬ વર્ષથી ચાલી આવતી આ ગ્રામીણ ઓલમ્પિકની પરંપરામાં જિલ્લાના યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને તેના સારા પરીણામો પણ જોવા મળી રહયા છે. આપણા જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે લીધેલા સારા નિર્ણયોના પરીણામો આપણે મેળવી રહયા છે. તેમણે રાજયના દરેક જિલ્લામાં રમતગમત સંકુલોની સ્થાપના કરી તેમની દીર્ઘદ્રષ્ટીને જ પરીણામે જ ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ ઝળકી રહયા છે.

રમતગમત ક્ષેત્રે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી સુંદર કામગીરી વિશે જણાવતા તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પણ દરેક જિલ્લામાં રમતગમતના અધતન ભવનો અને સાધન સુવિધાઓ ઊભી કરી છે. તેના ફળરૂપે સાવ અંતરીયાળ વિસ્તારના ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવતા થયા છે.

તેમણે ઉપસ્થિત ખેલાડીઓને સરીતા ગાયકવાડ, મુરલી ગામીત જેવા ખેલાડીઓના ઉદાહરણ આપી રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવા સખત પરીશ્રમ અને દ્રઢ મનોબળ કેળવવા જણાવી શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે સંબોધન કરતા જણાવ્યૂં હતું કે, દેવગઢ બારીયાની ઐતિહાસીક ભૂમિએ અનેક હોનહાર રમતવીરોને જન્મ આપ્યો છે. હાલમાં રાજય સરકારે દેવગઢ બારીયાના રમતગમત સંકુલને સરસ રીતે વિકસાવ્યો છે ત્યારે અહીંના ખેલાડીઓએ સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવશે તેવી શુભેચ્છા છે.

કાર્યક્રમની શરૂઆત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ શ્રી ડી.ડી. કાપડીયાએ મહાનુભાવોના શાબ્દિક સ્વાગતથી કરી હતી. આ પ્રસંગે હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડનું પણ મંત્રી શ્રી બચુભાઇ ખાબડના વરદ્ હસ્તે તકતી અનાવરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.         ગ્રામીણ ઓલમ્પિકમાં ૮ કિ.મી. પુરૂષો અને પ કિ.મી. બહેનો માટે લાંબી દોડના વિજેતાઓને મહાનુભાવોને હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ શ્રી ફારુખભાઇ જેથરા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમરસિંહ રાઠવા, દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી શ્રી એ.આઇ. સુથાર, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી અને ગ્રામીણ ઓલમ્પિકમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.