દેવભૂમિ દ્વારકામાં 5, ખેડામાં 2 અને મહિસાગરમાં 5 સહિત કુલ 12 લોકો ડૂબ્યા
આ વર્ષે સમગ્ર રાજ્યમાં લોકો ધૂળેટીના તહેવારની હર્ષોલ્લાસ સાથે એકબીજાને રંગ લગાવી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ઉજવણી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5, ખેડા જિલ્લામાં 2 અને મહિસાગર જિલ્લામાં 5 સહિત કુલ 12 લોકોના ડૂબવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનામાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે હજુ પણ 2 લોકોની શોધખોળ ચાલી રહી છે.
ધૂળેટી પર્વ પર દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક ત્રિવેણી નદીમાં 5 કિશોર ન્હાવા ગયા હતા. તે દરમિયાન 5 કિશોર ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જો કે, 5 કિશોરના ડૂબી જવાની જાણકારી મળતા પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, પાંચે કિશોરોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં તહેવાર માતમ છવાયો હતો.
દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ત્રિવેણી નદીમાં ડૂબી જવાથી 1. જીતુ ભરતભાઈ કવા (ઉ.વ-16) રહે શિવનગર, 2. હેમાંશું ભરતભાઈ રાઠોડ (ઉ.વ 17) રહે ખરાવાડ, 3. ભૂપેન્દ્ર મુકેશબાઈ બગડા (ઉ.વ 16) રહે રામેશ્વર પ્લોટ, 4. ધવલ ભાણજીભાઈ ચંડેગરા, રહે શિવનગર અને 5. હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી (ઉ.વ 16) રહે શિવનગર ના મોત નિપજ્યા છે.
ખેડા જિલ્લાના વસો તાલુકાના ઝારોલ ગામે બે સગા ભાઈના ડૂબી જવાથી મોત થયા છે. ધૂળેટી પર્વ પર બંને કિશોર ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે દરમિયાન પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું છે. પ્રિતેશ અજીતભાઈ સોલંકી (ઉ.વ 15) અને સાગર અજીતભાઈ સોલંકી (ઉ.વ 14) નામના બંને કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
જો કે, ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને કિશોરોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા બંને કિશોરોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બંને બાળકોની પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહિસાગર જિલ્લામાં બે અલગ-અલગ સ્થળ પર નદીમાં ન્હાવા પડેલા કુલ પાંચ યુવાનો ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કઠલાલથી ચાર યુવાનો વણાંકબોરી ડેમ ન્હાવા માટે આવ્યા હતા. જ્યાં આ ચારે યુવાન ડૂબ્યા હતા.
જેમાંથી બે યુવાનોના મોત થયા છે. ઘટનાને પગલે બાલાસિનોર પીઆઇ સહિત તમામ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઢેસિયા ગામનો યુવાન હાડોળમાં ડૂબ્યો હોવાની સામે આવ્યું છે.
આ સાથે નદીમાં ન્હાવા પડેલા કુલ પાંચ યુવાનોમાંથી ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે. જો કે, પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.