દેવાંગ કોષ્ટી લાઈવ ઓરકેસ્ટ્રાના તાલે “રંગ દે બસંતી” કાર્યક્રમમાં દેશભક્તિની છોળો ઉડી.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી “હેપ્પી યુથ ક્લબ” દ્વારા “સર્જન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ”ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં હિન્દી ફિલ્મી સુપર હીટ ગીતોની પણ સુરીલી પ્રસ્તુતિ કરાઈ:
ગાંધીનગર, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા “હેપ્પી યુથ ક્લબ” દ્વારા “સર્જન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ”ના સંયુક્ત ઉપક્રમે ભારતના ૭૩માં સ્વાત્રંત્ર્ય દિનની ઉજવણીને અનુલક્ષીને આગામી તા. ૧૭મી ઓગસ્ટ ૨૦૧૯ શનિવારની સાંજે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક સંગીતમય લાઈવ ઓરકેસ્ટ્રા કાર્યક્રમ “રંગ દે બસંતી” (એક શામ દેશભક્તિ કે નામ) ગાંધીનગરના સેક્ટર-૧૨માં ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ જગતના સુપર હીટ ગીતોની પણ સુરીલી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દેવ આનંદ અને રાજ કપૂરના ગેટઅપમાં નૃત્ય કરતા કલાકારો અશોક પ્રજાપતિ અને જયનલ રાવલે દર્શકોના દિલ જીતી લીધા હતા.
“રંગ દે બસંતી” કાર્યક્રમમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા જેમણે કહ્યું હતું કે “આપણાં માટે માત્ર એક શામ દેશભક્તિ કી નહીં પરંતુ હર શામ દેશભક્તિ કી હોવી જોઈએ, યુવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રભક્તિના ગીતોનો કાર્યક્રમ આયોજિત કરવો તે પ્રસંશનીય છે”. આ સાથે કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીમાં અંગત સચિવ શ્રી દિનેશભાઇ વ્યાસ, સુરક્ષા સેતુ સોસાયટીના લાયઝન ઓફિસર શ્રી પી.સી.વલેરા, શિવગન ઇન્ફ્રાટેક ધોલેરાના માલિક શ્રી ગણપતભાઈ મંડા સહીત અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મેયર શ્રીમતી રીટાબેન પટેલે કહ્યું હતું કે “દેશભક્તિ માત્ર સરહદે જઈને યુધ્ધ લડવાથી નહીં પરંતુ આપણાં રોજબરોજના જીવનમાં પણ દેશ પ્રત્યેની લાગણી અને જવાબદારી રાખીને દાખવી શકાય છે”. કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા સંગીતકાર દેવાંગ કોષ્ટીએ લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીતની સુરાવલીઓ રેલાવી હતી.
આ સાથે જાણીતા ગાયિકા જ્યોત્સના કોષ્ટી સહીત ૧૫થી વધુ ગાયક કલાકારોએ તેમનું પરફોર્મન્સ આપી દર્શકોની દાદ મેળવી હતી. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબ સંચાલિત “હેપ્પી મ્યુઝીકલ ક્લબ” અને “હેપ્પી સ્પોર્ટ્સ ક્લબ”નું લોંચિંગ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ શહેરમાં સંગીત ક્ષેત્રે ઉગતા કલાકારોને મંચ પૂરું પાડવા ઉપરાંત શહેરમાં સંગીતમય સંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન હાથ ધરી શહેરને સંસ્કૃતિ નગરની ઓળખ અપાવવાના કાર્યમાં યોગદાન આપવાનો તથા યુવાનોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રહેલી ધગશને દિશા આપવાનો રહેશે.
કાર્યક્રમનું રસપ્રદ સંચાલન મેઘના ગાંધી અને બિજોય તિવારીએ કર્યું હતું. દેશભક્તિના સંગીતમય કાર્યક્રમને શિવગણ ઇન્ફ્રાટેક ધોલેરા સહીત વિવિધ એકમોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના સમાપને તમામ કલાકારોને શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા.
કાર્યક્રમની સફળતા માટે પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી કિરીટકુમાર અગ્રાવત સહિત શ્રવણકુમાર પરમાર, રાજુભાઈ શ્રીમાળી, અજીતસિંહ પરમાર તથા હેપ્પી યુથ કલબના પ્રમુખ સમીર રામી, કોષાધ્યક્ષ ભાવના રામી સહીત યુવા સ્વયંસેવકોએ અને સર્જન એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ વિનોદભાઇ મેણાતે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંદાજે ૨૦૦થી વધુ દર્શકોએ માણ્યો હતો. દર્શકોને કાર્યક્રમ દરમ્યાન અલ્પાહાર પણ પીરસવામાં આવ્યો હતો.