દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો
સુરત: કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કફોડી થઈ છે. એકતરફ લોકોના ધંધા રોજગાર છૂટી ગયા છે તો બીજી તરફ લોકોના માથે દેવું પણ વધી રહ્યું છે. લોકોની હાલત હવે બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ છે. આવી જ હાલત થઈ છે સુરતના એક યુવાનની જેને કોરોનામાં ધંધો રોજગાર ગુમાવ્યો તો ખરો જ પણ માથે ચડેલું દેવું ઉતારવા કિડની વેચવાનો વિચાર કરતા તેને છેતરપીંડીનો શિકાર બનવું પડ્યું. સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો એક યુવક ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો ધંધો છૂટી ગયો.
બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો. જેમાંથી બહાર આવવા તેણે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો. અને ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો. જેના પર કિડનીના બદલામાં તેને ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત આપવામાં આવી. જાેકે આ વેબસાઇટના માધ્યમથી તેણે વિચાર નહોતો કર્યો કે તે આ રીતે છેતરપીંડીનો શિકાર બનશે.
જેથી તેણે આ વેબસાઈટના વ્યક્તિઓને તેની તમામ વિગતો શેર કરી. બેંગ્લોરની એક હોસ્પિટલનો ફોટો આપી કિડની વેચવા તેની પાસે પહેલા ૯,૯૯૯ રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી અને આ રીતે અલગ અલગ ખાતામાં ૧૪, ૭૮,૪૦૦ રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા. ફરિયાદીએ આ અંગે વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી છે.જાેકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.