દેવોલીના ભટ્ટાચાર્જીને હવે મિસ્ટર રાઈટ મળી ગયો
મુંબઇ: ટેલિવિઝન એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ હંમેશા પોતાની રિલેશનશીપ વિશે મોંઢું સીવીને રાખ્યું હતું. પરંતુ બિગ બોસ ૧૪માં દેવોલીના કન્ટેસ્ટન્ટ એજાઝ ખાનની પ્રોક્સી બનીને આવી ત્યારે તેણે રિલેશનશીપમાં હોવાનો ખુલાસો કર્યો હતો. હવે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે દેવોલીનાએ પોતાના બોયફ્રેન્ડ વિશે વાત કરી છે. સાથ નિભાના સાથિયા સીરિયલમાં ‘ગોપી વહુ’નો રોલ કરીને પોપ્યુલર થયેલી દેવોલીનાએ પોતાના પ્રેમી વિશે કહ્યું, તે મુંબઈનો છે પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી નથી. તે ખૂબ પ્રાઈવેટ વ્યક્તિ છે અને હું આનાથી વધુ તેના વિશે નહીં જણાવી શકું. આમ તો, દેવોલીના આ ખાસ વ્યક્તિને બે વર્ષથી ઓળખે છે પરંતુ એક્ટ્રેસ જાન્યુઆરી ૨૦૨૧માં ‘બિગ બોસ ૧૪’ના ઘરમાં આવી તે પહેલા જ બંનેએ રિલેશનશીપ વિશે ગંભીરતાથી વિચાર્યું હતું.
“બિગ બોસના ઘરમાં મેં પ્રવેશ કર્યો તેના થોડા દિવસ પહેલા જ અમને બંનેને અહેસાસ થયો કે અમારે રિલેશનશીપ આગળ લઈ જવી છે. ક્યાંક અમને બંનેને લાગ્યું કે અમે એકબીજાને ગુમાવી દઈશું અને ત્યારે જ અમે આ વિશે વાત કરવાની શરૂ કરી. જે બાદ અમે અમારી ફ્રેન્ડશીપને નેક્સ્ટ લેવલ પર લઈ ગયા, તેમ એક્ટ્રેસે ઉમેર્યું. દેવોલીનાએ આગળ કહ્યું, હું હંમેશાથી માનતી આવી છું કે પ્રેમ અને આકર્ષણની સાથે સંબંધ ટકાવી રાખવા માટે પરસ્પર સમજ હોવી જરૂરી છે. અમને બંનેને એકબીજાનો સાથ ગમે છે અને એકબીજા સાથે હોઈએ ત્યારે સુખદ અનુભવ થાય છે.
હાલમાં જ ચર્ચા ચાલી રહી હતી કે દેવોલીના જલદી જ લગ્ન કરી લેવાની છે. ત્યારે આ વિશે પૂછાતાં એક્ટ્રેસે કહ્યું, હું આ વર્ષે તો લગ્ન નહીં જ કરું. જાે બધું બરાબર રહ્યું તો અમે ૨૦૨૨માં લગ્ન કરી લઈશું. દેવોલીના પોતાની મમ્મીની ખૂબ નજીક છે ત્યારે દીકરીને પસંદને મમ્મીએ પણ લીલી ઝંડી બતાવી દેતાં એક્ટ્રેસ ખુશ છે. દરેક મમ્મીની જેમ હું લગ્ન કરીશ એ દિવસે મારી મમ્મી સૌથી વધુ ખુશ હશે.
જાે કે, હાલ તો તે આ રિલેશનશીપના નવા તબક્કાથી ખુશ છે, તેમ દેવોલીનાએ જણાવ્યું. દેવોલીનાએ લગ્નમાં શું પહેરશે તેના વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે? આ વિશે તેણે જણાવ્યું, હું મૂળ અસમની છું. મારા પપ્પા બંગાળી હતા માટે હું મારા લગ્નના આઉટફિટમાં બંને સંસ્કૃતિનું મિશ્રણ થાય તેનું ધ્યાન રાખીશ.