દેશનાં છ વર્ષ સુધીના ૯ લાખ બાળકો ગંભીર કુપોષણના શિકાર : સરકાર
નવીદિલ્હી: દેશનાં છ મહિનાથી છ વર્ષની ઉંમરના બાળકોમાંથી ૯ લાખથી વધારે બાળકો અત્યંત ગંભીર રીતે કુપોષિત છે. તેમાંથી ૪૪ ટકા એટલે કે ૩,૯૮,૩૫૯ બાળકો એકમાત્ર ઉત્તરપ્રદેશ રાજ્યના છે. કેન્દ્ર સરકાર વતી મહિલા અને બાળવિકાસ વિભાગના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ હકીકત જણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ દરમિયાન પોષણ માટે ફાળવવામાં આવેલા કુલ ભંડોળમાંથી ૪૦ ટકા (૫,૩૧૨ કરોડ રૃપિયા) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવ્યા હતા.
છ મહિનાથી છ વર્ષની ઉંમરના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવેલા માર્ચ ૨૦૧૮ના પોષણ અભિયાન છતાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી તેમાંથી માત્ર ૫૬ ટકા (૨,૯૮૫.૫૬ કરોડ) રૃપિયા ખર્ચ થઈ શક્યા છે. યુનિફાઇડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ર્સિવસના પોષણ અભિયાન હેઠળ છ મહિનાથી છ વર્ષ સુધીના અત્યંત કુપોષિત બાળકોને પૂરતો પોષક આહાર આપવામાં આવે છે.
આ અભિયાનનું ધ્યેય ૨૦૨૨ સુધી દેશમાં ઓછા વજન સાથે જન્મેલા, પંગુ અને કુપોષિત બાળકોની સંખ્યા દર વર્ષે બે ટકા લેખે ઓછી કરવાનું અને છ વર્ષથી મોટા બાળકો અને મહિલાઓમાં કુપોષણ દર વર્ષે ૩ ટકા લેખે ઓછું કરવાનું છે. કોરોના પેન્ડેમિકના કારણે જગતમાં બેરોજગારી પારાવાર વધી જતાં આવક વગર ભૂખે મરતાં લોકોની સંખ્યા વધશે. આ વર્ષે જગતમાં ભૂખમરો ૩૩ ટકા વધી જશે એમ યુએસના ખેતી વિભાગે કરેલા અભ્યાસ પછી જાહેર કર્યું હતું. મધ્યમ અને ઓછી આવકવાળા ૭૬ દેશોમાં ફૂડ સિક્યુરિટીની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ દેશોમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં ૨૯.૧ કરોડ લોકોનો ઉમેરો થશે.