દેશનાં બે રાજ્યોમાં પેટ્રોલ રૂ.૧૧૨ને પાર પહોંચ્યું
નવીદિલ્હી: એક દિવસ સ્થિર રહ્યા બાદ, એટલે કે સોમવારે (૧૨ જુલાઈ, ૨૦૨૧), એક તરફ, પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ ડીઝલનાં ભાવમાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૮ પૈસા વધારો કર્યો છે, જ્યારે ડીઝલ ૧૬ પૈસા પ્રતિ લીટર સસ્તુ કર્યું છે.
પેટ્રોલ મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં અનુક્રમે ૨૭ પૈસા, ૩૪ પૈસા અને ૨૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. વળી, ડીઝલનાં ભાવમાં મુંબઇ, કોલકાતા અને ચેન્નાઇમાં અનુક્રમે ૧૭ પૈસા, ૧૬ પૈસા અને ૧૫ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજસ્થાનનાં શ્રી ગંગાનગર પછી મધ્યપ્રદેશનાં અનુપુરમાં પણ પેટ્રોલ ૧૧૨ રૂપિયાને પાર કરી ગયું છે. અનુપુરમાં પેટ્રોલ ૧૧૨.૧૧ રૂપિયા,
રેવામાં ૧૧૧.૭૫ રૂપિયા અને જયપુરમાં રૂ. ૧૦૮ માં વેચાઇ રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર સોમવારે (૧૨ જુલાઈ, ૨૦૨૧) પેટ્રોલ દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં અનુક્રમે રૂ. ૧૦૧.૧૯, ૧૦૭.૨૦, ૧૦૧.૩૫ અને ૧૦૧.૯૨ રૂપિયા પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે. બીજી તરફ, ચાર મહાનગરોમાં ગ્રાહકોએ ડીઝલ માટે અનુક્રમે રૂ. ૮૯.૭૨, ૯૭.૨૯, ૯૨.૮૧ અને ૯૪.૨૪ રૂપિયા લીટર ચૂકવવા પડશે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે, ચૂંટણી પંચે ૨૬ મી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પાડ્યા પછી બીજા દિવસે ડીઝલ પર પ્રતિ લિટર ૧૭ પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ બે મહિનાથી વધુ સમય સુધી તેની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. જાે કે, ૧૫ એપ્રિલનાં રોજ ડીઝલનાં ભાવમાં ૧૪ પૈસાનો નજીવો ઘટાડો થયો હતો. આજે લગભગ ત્રણ મહિના બાદ તેના ભાવમાં લિટર દીઠ ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.