દેશના અનેક રાજયોમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન

નવીદિલ્હી: દેશના ઘણા ભાગો હાલના દિવસોમાં પૂરનો સામનો કરી રહ્યા છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ હિમાલયના કેટલાક ભાગોમાં આગામી ૪-૫ દિવસો સુધી ભારે વરસાદ પડી શકે છે. જેમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોનો સમાવેશ થાય છે. આ સાથે, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.ચોમાસાનો પૂર્વીય છેડો હિમાલયની તળેટીની નજીક આવી ગયો છે
પશ્ચિમ છેડો સામાન્ય સ્થિતિની ઉત્તરમાં રહ્યો છે. વિભાગે જણાવ્યું હતું કે આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ચોમાસું હિમાલયની તળેટીની નજીક સિફ્ટ થવાની સંભાવના છે. વળી, સાથે જ ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ ઉપર ચક્રવાતી હવાનું ક્ષેત્ર પણ સર્જાયું છે, જેના કારણે વરસાદની શક્યતાઓ છે.
આ વખતે પૂરે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને હિમાચલમાં ભારે કહેર મચાવ્યો છે. આ ૫ રાજ્યોમાં પૂરના કારણે ૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાક નાશ પામ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં ૮,૧૬૯ રસ્તાઓને નુકસાન થયું હતું અને ૧૨ થી વધુ પુલ અને નાળાઓ નાશ પામ્યા છે. આ ૫ રાજ્યોમાંથી લગભગ ૫.૫૦ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં પૂરને કારણે ૬ પુલ તણાઇ ગયા હતા. મુરેના, શ્યોપુર અને દતિયામાં ૪૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અહીંના ગ્વાલિયર-ચંબલના ૪ જિલ્લાના ૭૪૯ ગામોમાં ૮૦ હજાર હેક્ટરમાં ખરીફ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.મહારાષ્ટ્રમાં પૂરથી ૨૧ જિલ્લા અસરગ્રસ્ત થયા છે અને ૪.૩૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યએ ૧૧ હજાર કરોડ અને હીનચલે ૭૫૮ કરોડ રુપિયાનું નુકશાન થયાનો અંદાજાે લગાવ્યો છે. જ્યારે બાકીના ત્રણ રાજ્યો (બિહાર, રાજસ્થાનએ હજી નુકશાનીનો અંદાજાે કાઢ્યો નથી.રાજસ્થાનના ૫ જિલ્લાઓમાં લગભગ ૪ લાખ હેકટરમાં ઉગેલા પાકને નુકશાન થયું છે.