દેશના અર્થતંત્ર અને વિકાસ આયોજનો માટે આર્થિક ગણતરી ખૂબ અગત્યની : જિલ્લા કલેકટર
ખાસ મોબાઈલ એપલિકેશનના વિમોચન દ્વારા શ્રીમતી શાલિની અગ્રવાલે
વડોદરા શહેર અને જિલ્લામાં સાતમી આર્થિક ગણતરીનો કરાવ્યો પ્રારંભ:
ગણતરીકારોને સહયોગ અને સચોટ માહિતી આપવા લોકોને અનુરોધ..
વડોદરા : જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ખાસ મોબાઈલ એપ્લીકેશનના નિદર્શન દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી (સેવેંથ ઇકોનોમિક સેન્સસ)નો પ્રારંભ કર્યો હતો. તેમણે આ કાર્યમાં જોડાયેલા ગણતરીદારોને આર્થિક ગણતરી અર્થતંત્ર અને વિકાસ આયોજનો માટે ખૂબ અગત્યની હોવાથી ખૂબ જ સચોટતા સાથે માહિતી એકત્ર કરવા અને શહેર અને જિલ્લાના લોકોને સચોટ માહિતી પૂરી પાડી આ કામમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, રાજયમાં તા.૧૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રીએ ગણતરીનો પ્રારંભ કરાવ્યો અને તમામ જિલ્લાઓમાં ગણતરી થવાની છે. પ્રથમ વખત ગણતરીની સમગ્ર પ્રક્રિયા ડીજીલાઇઝડ સ્વરૂપમાં હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ૨,૦૦૦ જેટલા એન્યુમરેટર અને સુપરવાઈઝરની સેવાઓ આ કામગીરીમાં લેવાશે. તેઓ સંગઠિત અને અસંગઠિત, નિવાસી, વાણિજ્યિક, નિવાસી અને વાણિજ્યિક જેવા પ્રસ્થાપનોની મુલાકાત લેશે અને ડેટા એકત્ર કરશે.
જિલ્લા આંકડા અધિકારી કોકિલાબહેન એ સમગ્ર પ્રક્રિયાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ગણતરીદારો ઘરના સદસ્યો, આવકના ધંધો, રોજગાર જેવા સ્ત્રોતો સહિત આર્થિક માપદંડોની માહિતી મેળવશે. ભરતગૂંથણ જેવા નાના ઘરેલું વ્યવસાયો સહિતના આવકના નાના મોટા સ્ત્રોતોને આવરી લેવાનો પ્રયત્ન કરી દેશનું એક સશક્ત આર્થિક ચિત્ર મળે એ હેતુથી સમયાંતરે આર્થિક ગણતરી કરવામાં આવે છે.
સી.એસ.સી.ના મેનેજર આસિફ શેખે જણાવ્યું કે, સુપરવાઈઝરસને ચોક્કસ વિસ્તારો ફાળવવામાં આવ્યા છે અને એ વિસ્તારોમાં ગણતરીદારો માહિતી ભેગી કરશે જે એપ દ્વારા સીધેસીધી સર્વરમાં જશે. આમ, ડિજિટલ ડેટા બેઝ તૈયાર થશે.