દેશના આઠ શહેરોમાં ‘સ્ટડી ઈન ગુજરાત’ રોડ-શોનું આયોજન કરાયુ
રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને દેશના એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા અને દેશ-વિદેશના વિદ્યાર્થીઓને રાજ્યમાં ઉચ્ચશિક્ષણ માટે આમંત્રણ આપવાના હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને 22 યુનિવર્સિટીઓ સહિત 4 કોલેજના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા ઉમેદવારોને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે રહેલી તકો અને સંસાધનોની માહિતી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે ભારતના વિવિધ 8 શહેરોમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની ઉચ્ચ ક્રમાંકિત એનબીએ અને એનએએસી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રતિનિધિ મંડળનો હિસ્સો હતા, આ અભિયાન અંતર્ગત રાજ્યમાં આવેલી વિવિધ સંસ્થાઓ, વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયાઓ વગેરે વિશેની માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છુક ઉમેદવારોને વિગતો પ્રદાન કરવાના હેતુથી દેશના વિવિધ શહેરોની મુલાકાત લેવામાં આવી હતી.
આ અભિયાન દેશના આઠ શહેરોમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, યુનિવર્સિટીઓના વડાઓ અને ગુજરાતી ડાયાસ્પોરા સાથે વાતચીત કરવા માટે નાસિક, હૈદરાબાદ, રાંચી, રાયપુર, પટના, લખનઉ અને ગુવાહાટીની મુલાકાત લીધી હતી.
૨૨ પાર્ટનર યુનિવર્સિટીઓએ આ કાર્યક્રમમાં હિસ્સો લીધો હતો જેમાં, અમદાવાદ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચારુસેટ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, IIT-RAM, ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, જીટીયુ વગેરેનો સમાવેશ થાય છે.
શાળાના વિદ્યાર્થીઓને મળવા ઉપરાંત, ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે સંબંધિત રાજ્યોના શિક્ષણમંત્રીઓ અને ગુજરાતી સમાજના સભ્યોની પણ મુલાકાત લીધી હતી અને અગ્રણી શિક્ષણવિદો અને પાર્ટનર્સ સાથે વાતચીત કરીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર વિશે તેમને માહિતી આપી હતી તેમજ સફળ ભાગીદારી અને સહયોગ માટેનો રસ્તો ખુલ્લો કર્યો હતો.
છેલ્લા દોઢ દશકમાં, ભારતના અગ્રણી શિક્ષણ કેન્દ્ર તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામત વાતાવરણ, આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ અભ્યાસક્રમો અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની મળતી તકો તેમજ શિક્ષણ ક્ષેત્ર માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ અનુકુળ પહેલને કારણે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જ ખૂબ પ્રોત્સાહન મળે છે. ‘સ્ટડી ઇન ગુજરાત’ કાર્યક્રમનો વધુ વિસ્તાર કરવા માટે પ્રતિનિધિમંડળ ફેબ્રુઆરીમાં કેન્યા, મોઝામ્બિક, યુગાન્ડા અને ઝિમ્બાબ્વેની મુલાકાત કરશે.